________________
૩ર.
વેદાન્ત એટલે કે બ્રાહ્મણ પરંપરા ભાયાણી સાહેબનો વિદ્યાર્થીકાળનો અભ્યાસવિષય, તો પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસને અનુષંગે એમણે જૈન પરંપરાના અધિકારી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા મેળવી. કુટુંબમાં જૈન અને વૈષ્ણવ પરંપરાનું સંમિશ્રણ અને દાદીમાના કંઠે ગવાતાં ધોળ-પદોએ વૈષ્ણવપરંપરાનું પીયૂષપાન કરાવ્યું. મધ્યકાલીન સાહિત્યના અધ્યયને, વળી, સંતસાહિત્ય અને લોકસાહિત્યનો રસ કેળવ્યો. આપણા સાહિત્ય અને સંસ્કારનો વિપુલ વારસો, આ રીતે, ભાયાણીસાહેબને હસ્તગત બની રહ્યો અને આ સંસ્કારવારસાનું ઉદ્ઘાટન એ એમનું એક વિદ્યાકાર્ય બની રહ્યું.
આ પરથી રખે કોઈ ભાયાણી સાહેબને કેવળ પુરાતનતાના ઉપાસક તરીકે ઓળખે. એ આધુનિકતાના પણ એવા જ ઉપાસક છે. એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવે ને આજના સમયમાં એની પ્રસ્તુતતા સિદ્ધ કરે, તે સાથે પાશ્ચાત્ય સૌન્દર્યશાસ્ત્ર અને આધુનિક સાહિત્યવિચારમાં પણ ગતિ કરતા રહે અને આપણને ગતિ કરાવતા રહે; પ્રાચીન સંસ્કારવારસાની ખેવના પ્રગટ કરે, તે સાથે આપણી આજની સાંસ્કૃતિક કટોકટીનું ચિંતવન કરે; મધ્યકાલીન ગુજરાતીમાં જેટલો રસ લે તેટલો જ આજના ગુજરાતી સાહિત્યમાં પણ લે. “આજ' સાથેનો આ અનુબંધ ભાયાણીસાહેબની વિદ્વત્તાને સર્વભોગ્ય બનાવે છે.
સર્વદશીયતા ઉપરાંત અદ્યતનતા એ ભાયાણીસાહેબની વિદ્વત્તાનું વિશિષ્ટ લક્ષણ છે. પોતાના સર્વ રસવિષયોમાં અદ્યતન પ્રવાહોથી ભાયાણીસાહેબ જેટલા પરિચત રહે છે તેટલા અન્ય કોઈ વિદ્વાન ભાગ્યે જ રહેતા હશે. આ અદ્યતનતા પાછી સાંકડી સીમાની નથી હોતી, ભાયાણીસાહેબની દૃષ્ટિ દેશપરદેશમાં સર્વત્ર ફરી વળે છે. આ રીતે પણ એમનામાં સર્વદશીયતા છે એમ કહેવાય. વિદેશોમાં થતાં વિદ્યાકાર્યો તરફ ભાયાણીસાહેબની નજર વારંવાર જાય છે, કેમ કે એમાંથી નવા અભિગમો અને નવાં પ્રતિભાદનો પ્રાપ્ત થાય છે. ભાયાણીસાહેબમાં નવા જ્ઞાનની તીવ્ર ઝંખના છે અને એ ઝંખના એમના અભ્યાસવિષયો – સાહિત્યવિદ્યા અને ભાષાભ્યાસ-પૂરતી નથી હોતી, જીવનના બીજા અનેક વિચારક્ષેત્રોને સ્પર્શે છે. એટલે જ ભાયાણીસાહેબની મિત્રમંડળીમાં મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, રાજનીતિશાસ્ત્રીઓ, કલાકારો વગેરે અનેક પ્રકારના લોકો જોવા મળે છે. એમની સાથે અનૌપચારિક ગોષ્ઠિઓ તો ચાલ્યા જ કરે છે તે ઉપરાંત, ભાયાણીસાહેબ ઔપચારિક ગોષ્ઠિઓ પણ યોજે છે અને વિવિધ ક્ષેત્રના વિદ્યાપુરુષો પાસેથી એમના ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એની માહિતી કઢાવતા રહે છે. આ રીતે પોતે સમૃદ્ધ થતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org