________________
સહિયારા મિત્રકર્મની નીપજ
પ્રશિષ્ટ સંસ્કૃત નાટક ‘પ્રબુદ્ધૌહિણેય’ એક જૈન કવિ-મુનિની રસસભર અને પ્રેરણાપ્રદ કૃતિ છે. એનો ભાવાનુવાદ એવા જ એક રસજ્ઞ-મર્મજ્ઞ જૈન આચાર્યના હસ્તે સંપન્ન થાય છે ત્યારે મારા જેવાને એક સુખદ સંયોગના સાક્ષી બનવાનો લહાવો લીધા જેવી લાગણી થાય એ દેખીતું છે. પરંતુ આમાં ‘પડદા પાછળ'ની એક બીજી મજાની વાત પણ એટલી જ સુખદ છે. એ છે આ પુસ્તકની સાથે જોડાયેલા મૈત્રીના તાણાવાણા. પાઘડીના માથે છોગાં જેવી એ આહ્લાદક વાત મારે કરવી છે.
જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીઓ શ્રીકીર્તિભાઈ વોરા અને શ્રી જેઠાલાલભાઈ ગાલા-એટલે એક મજાનું મિત્રયુગલ. એમણે જૈન સાહિત્ય અકાદમીનું સપનું સેવ્યું, અને એ સપનાના છોડને જળસિંચન કર્યું શ્રી માવજીભાઈ સાવલાએ. આર્થિક સહયોગરૂપી ખાતર મળ્યું બે સજ્જનો પાસેથી. પુણ્યમૂર્તિ સ્વ. શ્રી દેવજીભાઈ અને જ્ઞાનગવેષક શ્રી નાનજીભાઈના સહયોગથી અકાદમીએ આકાર લીધો.
શ્રીમાવજીભાઈ મારી સાહિત્ય ઉપાસનાના પ્રથમથી જ પાલકપોષક રહ્યા છે. મૈત્રીના હક્કદાવે એમણે મને કામે લગાડ્યો ને મારાં કેટલાંક પુસ્તકો તૈયા૨ થયાં. કીર્તિભાઈ વોરાએ હોંશે હોંશે અકાદમી દ્વારા એ પ્રગટ કર્યાં.
શ્રી વસંતભાઈ દેઢિયા-એક અલગારી કળા-ઉપાસક, નાટ્યકર્મી–મારા અને માવજીભાઈના સમાન મિત્ર. ‘પ્રબુદ્ધૌહિણેય' પર આધારિત એક નૃત્યનાટિકા તેમણે તૈયાર કરેલી અને દેશલપુર (કંઠી)ના જિનાલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગામના જ બાળકલાકારો દ્વારા તેનું સફળ મંચન તેમના દિગ્દર્શન હેઠળ થયેલું, તે મેં જોયેલું. અન્યત્ર પણ તેની રજુઆત થઈ છે. શ્રી રામભદ્રમુનિના આ નાટક ૫૨ તેઓ મુગ્ધ છે. આ નાટક ગુજરાતીમાં આવવું જોઈએ એવી તેમની ઝંખના મારી પાસે એકથી વધુ વાર એમણે વ્યક્ત કરેલી. માવજીભાઈ સાથે પણ આ અંગે વાત થઈ અને પછી તો માવજીભાઈની ‘ઉઘરાણી' ચાલુ થઈ ગઈ. મારી અશક્તિ હું જાણું. મેં મારા ધર્મસખા વિદ્વર્ય આ. શ્રી વિ.શીલચંદ્રસૂરિજીને પૂછાવ્યું. તેમણે તત્કાળ હા ભણી દીધી. વિવિધ સાહિત્યિક કામકાજ વચ્ચે અને બેંગલોર તરફના લાંબા વિહારો વચ્ચે એમણે આ રસિક કૃતિનો અનુવાદ કેવી રીતે કર્યો હશે એ પ્રશ્ન કોઈ પણ મર્મજ્ઞ માણસને થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org