________________
28
(૪)
આ પછી બરાબર એક દાયકે “પ્રબુદ્ધ રૌહિણેય” સાથેનો વીસરાયેલો અનુબંધ પુનઃ તાજો થાય તેવો પ્રસંગ રચાયો. મારા ધર્મમિત્ર મુનિશ્રી ભુવનચન્દ્રજીનો પત્ર આવ્યો કે “પ્રબુદ્ધ રૌહિણેય'નું ગુજરાતી રૂપાન્તર તમે કરી આપો. આ માટે વસંતભાઈ દેઢિયા તમને મળવા આવશે.” હું મૂંઝાયો. નાટ્યશાસ્ત્ર મેં વાંચ્યું નથી, નાટક સાહિત્યનો મને કોઈ પરિચય નથી, કે “નાટક” એટલે શું તેની મને કદી ગતાગમ નથી પડી. એમાં એક નાટકનું ગુજરાતી રૂપાન્તર કરવું એટલે કેવું વિકટ કામ ?
ત્યાં શ્રીદેઢિયા મળ્યા. તેમણે તેમની અપેક્ષા મને સમજાવી. તેમનું કામ પણ એક રીતે શ્રીગોવર્ધન પાંચાલ જેવું હતું. તેમને પણ આ નાટક બહુ ગમી ગયેલું, અને તેને ભજવવાનું તેમને તીવ્ર મન હતું. તેમણે આ નાટકના આધારે એક નૃત્યનાટિકાનું પણ સર્જન કરેલું. તે ભજવેલી પણ ખરી. પણ તેમને સંતોષ નહોતો થતો. તેમને તો મૂળ કૃતિનો સંસ્પર્શ ધરાવતું રૂપાન્તર ખપતું હતું. તે માટે તેમણે મને આગ્રહ કર્યો. મેં કહ્યું : હા ન કહું, પણ પ્રયત્ન અવશ્ય કરીશ. ભુવનચન્દ્રજીને પણ આવો જ જવાબ લખ્યો.
( નાટકોનો કે નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કે જાણકારી ન હોવાની વાતને મેં ગૌણ બનાવી. મને થયું કે મારે તો ફક્ત ભાષાન્તર જ કરવાનું છે. આમાં મારી નાટ્યવિષયક સજ્જતા કરતાં વધારે તો અનુવાદકીય ક્ષમતાને જ પડકાર થાય છે. એટલે એ પડકાર ઝીલી લેવામાં કાંઈ ખોટું તો નથી. બહુ બહુ તો અનુવાદ નાપસંદ થશે. તો આપણું શું ઓછું થશે ? બલ્ક કાંઈક અધ્યયન કે સ્વાધ્યાય કર્યાનો આનન્દ તો રહેશે.
પછી આવી અનુવાદની સમસ્યા. મારી સામે બે વાતો હતી : એક, આજનાં વિદ્યાલયોમાં ભણાવવા માટેનાં નાટકોના અધ્યાપકીય ભાષાન્તરો; જેમાં તરજુમિયા-લગભગ “મૃત' પ્રકારનાં – ભાષાન્તરો સિવાય કાંઈ હોતું નથી; એ વાંચીએ તો આપણી રહી સહી રસિકતા પણ મરણ પામે. અને બે, વસંતભાઈ દેઢિયાની અપેક્ષા એવા રૂપાન્તરની હતી કે જેના આધારે તેઓ આ નાટકને સમાજ સમક્ષ ભજવી શકે. આ એમની અપેક્ષા યોગ્ય પણ હતી; અને એને સંતોષી શકાતી હોય તો જ ભાષાન્તરનો પ્રયાસ કરવો ઉચિત, અન્યથા કલમને બંધ રાખવી જ હિતાવહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org