________________
૨૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ
તે છતાં, આધ્યાત્મિક સાધનામાર્ગના પથિકોમાંથી પણ આજે કેટલાક એમ કહે છે કે “શાસ્ત્ર ન જોઈએ, ગુરુ ન જોઈએ, બીજા કોઈએ ચીંધેલ વિધિ-નિષેધની જંજાળ ન જોઈએ.” જીવનમાં કંઈ પણ નિયંત્રણ સ્વીકાર્યા વિના આધ્યાત્મિક પથના યાત્રી હોવાનો સંતોષ માણવા ઇચ્છનાર વ્યક્તિઓને આ વિચારધારા આકર્ષે છે; કિંતુ, એ વાત આકર્ષક જણાતી હોય તોયે, તે કેટલી ભ્રામક અને ઠગારી છે તે કળા, વિદ્યા કે જીવનના કોઈ પણ ક્ષેત્રે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત વ્યક્તિ કેમ વર્તે છે તેનું અવલોકન કરવાથી તરત જ સમજાઈ જશે. કોઈ પણ ક્ષેત્રે ગુરુનીભોમિયાની નિષગાતના માર્ગદર્શનની અને તેના જ્ઞાનની અર્થાત્ શાસ્ત્રની આવશ્યકતા સૌ સ્વીકારે છે. દા. ત., વિદેશના પ્રવાસથી સાવ અપરિચિત વ્યક્તિને અમેરિકા જવું હોય તો તે એવી કોઈ જાણકાર વ્યક્તિનો સંપર્ક સાધે છે કે જે તેને પાસપોર્ટ, વિસા, વિદેશી ચલણ મેળવવાની પ્રાપ્ય સગવડો, અનુકૂળ વિમાની સર્વિસ, એના સમય, ભાડું વગેરે અંગે વિશ્વસનીય માહિતી આપી શકે; અથવા કોઈ પ્રવાસ-એજન્ટનું એવી માહિતી આપતું ચોપાનિયું વાંચીને તે પોતાને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. અજાણી ભોમકામાં માર્ગદર્શનની અવગણના સમજુ માણસો કરતા નથી, કોઈ કરી શકતું પણ નથી. સાધનામાર્ગે પ્રવૃત્ત થવા ઇચ્છનાર વ્યક્તિ પણ કોઈકનું માર્ગદર્શન તો ઝંખતી જ હોય છે. તેથી “કોઈનુંયે માર્ગદર્શન ન ખપે” એ ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ મૂકી દેનાર મુગ્ધ જનો પૂર્ણજ્ઞાનીઓનાં વચનરૂપ શાસ્ત્રોના માર્ગદર્શનને તો અવગણે છે, પણ શાસ્ત્રનો અને ગુરુનો નિષેધ કરનાર એ ઉપદેશકને જ, જાણે-અજાણે, ગુરુપદે સ્થાપી દે છે અને તેનાં વચનોને શાસ્ત્ર-વચનની જેમ વાગોળે છે.
જન્માંતરના વિશુદ્ધ સંસ્કારથી કે આવા ઉપદેશના સંપર્કમાં આવ્યા પૂર્વે અન્ય કોઈ સાધનામાર્ગના અનુસરણથી જેમનો જીવનવ્યવહાર અને ચિત્ત શુદ્ધ થઈ ચૂક્યાં હોય તેવી વ્યક્તિઓ, પોતાના વિવેકબળે, આવા ઉપદેશમાંથી પણ પોતાને ઉપયોગી એવું કોઈ સૂચન પકડી લઈ આગળ વધે એ બને, પરંતુ, પોતાની વિવેકબુદ્ધિને કોરાણે મૂકીને, આવા અધૂરા ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ મૂકી દઈ, શાસ્ત્રોની અવગણના કરનાર મુગ્ધ જનો તો, આવા ભ્રામક ઉપદેશની અસર નીચે, યોગમાર્ગના પાયાભૂત યમનિયમાદિ વડે પોતાનું જીવનઘડતર કરવા તરફ બેદરકાર રહી, સાચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org