________________
પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ ૨૯૯
બધી વિદ્યાનો ભંડાર તારી પાસે ઠલવી દઈશ. હું કોઈ વારસદારની શોધમાં જ છું.” મેં પૂછયું : “એમાંથી ધનના ઢગલા મળશે?” તો કહે : “ના. આ તો અંતરની સાધના છે, અંતરના આનંદ માટેની ઉપાસના છે. એમાંથી તને મળશેઅલૌકિક નિજાનંદ માત્ર!” મેં કહ્યું : “આનંદ તો મને ત્યારે મળે જ્યારે ભૂખડીબારસનું મેણું ભાંગી હું વીજળીને મારી કરીને રાખું!”
‘ઝાઝી વાતે ગાડાં ભરાય, રસિકભાઈ! મેં કોઈની ડાહી શિખામણ માની નહિ અને ભસ્માનંદને સાધ્યા. દિલ દઈને એની સેવા કરવા માંડી. એણે મહમ્મદ છેલ જેવી આડીતેડી વાત ન કરી. જાણે માથા પરનો ભાર ઉતારી કોઈને વિદ્યા દેવાની તક જોઈને જ બેઠા હોય એમ મને માંડયો પલોટવા. શરૂ કર્યું ત્રાટકથી અને પૂરું કર્યું વશીકરણથી. કહે : “જા, હવે ચરી ખા. તું નજર નોંધીશ અને લોક થઈ જશે આંધળા ભીંત. તું દેખાડીશ એ જ લોકો ભાળશે. તારી નજર લોકોની આરપાર જોઈ શકશે. તું લોકોના મનનો તાગ લઈ શકીશ.” મેં પૂછયું : “ધનના ઢગલા એનું શું' ભસ્માનંદ કહે : “ધનના ઢગલા થશે પણ બીજી પળે રાખના ઢગલામાં ફેરવાઈ જશે. એમાંથી તું કંઈ ભોગવી શકીશ નહિ. આ વિદ્યાને માથે એ જ તો ભારે શાપ છે. આ કંઈ સરોવર નથી. આ તો મૃગજળ છે, બેટા! મારી જેમ તારા નસીબમાં પણ આ જ મંડાણું હશે... બીજું શું?”
...
‘વિદ્યાનું અભિમાન ભેળું બાંધીને ગામ પહોંચ્યો ત્યારે છ વરસ વીતી ગયાં હતાં. જઈને જોયું તો પિતા મરણપથારીએ હતા. અને વીજળી... જે વીજળી માટે હું આટલું ભમ્યો–ભટકયો એ વીજળીને એરુ આભડયો ને બે વરસ પહેલાં મરી પરવારી. એ વાતોની રામાયણ માંડવાનો હવે કંઈ અર્થ નથી. ભૂતનું થાનક પીપળો. છેવટે અહીં પાછો આવ્યો. ધનના ઢગલા તો એ પછી ઘણા થયા. રાજારજવાડાંઓમાં માનપાન પામ્યો, સિદ્ધપુરુષ તરીકે પંકાયો. પણ એ બધાથી હવે ફાયદો શો? ગુરુની વાત સાચી હતી. મારે માટે એ બધું હવે સ્વપ્નાંની રાખોડી જેવું છે. અંદર જે આતશ જલે છે એનો કોઈ ઉપાય નથી. આ પિશાચવિદ્યાનું જે સોમલ મેં ખાધું છે એનું વારણ નથી, કોઈ મારણ નથી.
‘આ એક એવી ઉપાસના છે. એનું મૂલ્ય ચૂકવવાનું છે. એ મૂલ્ય ચૂકવવું, એ જીવનની જેવીતેવી યાતના નથી. એ યાતના હું સહીશ, એક હરફ બોલ્યા વિના સહીશ, ફરિયાદ વિના સહીશ, એવો મેં એકરાર કર્યો છે. કોની સાથે, જાણો છો? આ શક્તિ આપનાર મહામલિન દેવી સાથે. આ શક્તિ મને મળી છે. પણ આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org