________________
૨૫૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
‘કશું જ ઉત્પાદક કામ કર્યા વિના ધર્મ અને અધ્યાત્મના નામે પોષાતી આવી અકર્મણ્યતા કેમ ચલાવી લેવાય?’ – એવું માનવા-મનાવવાના ચાળે ચડવાને બદલે સમાજે પણ આવા પ્રયત્નને પ્રોત્સાહન આપવું ઘટે.
સમાજથી અળગા રહી આંતરિક સાધનામાં લાગી જવાની પોતાની ઇચ્છા છતાં, મુનિજીવનની વર્તમાન પ્રણાલિકાને એકદમ છોડી દઈને નવા ચીલે કદમ માંડવાનું સાહસ દાખવી ન શકનાર સાધુ-સાધ્વીઓએ પોતાની આંતરજાગૃતિની જયોત બુઝાઈ જવા ન દેવી હોય તો છેવટે વર્ષમાં એકાદ મહિનો, લોકસંપર્કથી શક્ય તેટલા અળગા રહી, એકાંત અને મૌન સાધનામાં ગાળવો જોઈએ. આત્મદર્શનના ઇછુક ગૃહસ્થ સાધકોય આટલું તો કરી શકે. વર્ષમાં એકાદવાર હવાફેર કે પર્યટન માટે સમય કાઢી શકનાર માટે આ અશક્ય ન લેખાવું જોઈએ. સાધનાને અગ્રિમતા આપીએ
ધ્યાનાભાસ અને સ્વરૂપ-સ્મૃતિની સાધનાનું મહત્ત્વ ચિત્તમાં વસાવી સાધક તેને સર્વ પ્રવૃત્તિમાં ટોચની અગ્રિમતા-top priority-નથી આપતો તો, તેની શરૂઆત કર્યા પછીયે, થોડા જ વખતમાં તે અભ્યાસ છૂટી જાય છે. જે સમય તે સાધનામાં ખર્ચવા ઇચ્છતો હોય તે સમય પોતા માટે મેળવી લેવા અનેકવિધ પ્રવૃત્તિઓ, જાણે સ્પર્ધામાં ઊતરી હોય તેમ, પોતાનાં પ્રલોભનો સાથે તેની સમક્ષ આવે છે. એ અવસરે સાધનાને જ તે સર્વાધિક મહત્ત્વ આપે તો જ તે એ અભ્યાસમાં આગળ વધી શકે છે; અન્યથા સાધનામાં ખાડા પડવા શરૂ થાય છે, ને એ ભંગાણ ઉત્તરોત્તર વધતું રહી, અંતે સાધના સાવ સ્થગિત થઈ જાય છે. માટે આત્માર્થીએ તેની સર્વ પ્રવૃત્તિમાં આ સાધનાને ટોચ-અગ્રિમતા આપતાં રહી, સ્નાન અને ભોજનની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં અચૂકપણે એને માટે સમય કાઢી, એક પણ દિવસનો ખાડો પાડયા વિના, સાધનારત રહેવું ઘટે. વડાપ્રધાન કે એવા જ કોઈ મોટા માણસ સાથે મુલાકાતનો સમય નક્કી કર્યો હોય તો તે સાચવવા આપણે કેટલી તકેદારી રાખીએ છીએ. તે સમયે કયાંકથી જમવાનું કે ચા-પાણીનું કોઈ આમંત્રણ તો ઠીક પણ, બીજું કોઈ અગત્યનું જણાતું કામ આવી પડે તોયે શું આપણે એ મુલાકાતને પડતી મૂકીશું? ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઇન્ટમેન્ટ' છે, એ ન વિસરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org