________________
૨૩૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
મુનિવરને કૃશ કાયાએ કાઉસગ્ગ ધ્યાને તપ તપતા જોયા. તેમનો દેહ હમણાં છૂટી જાય તો એ નવો જન્મ કયાં લે? ‘એ હમણાં દેહ છોડે તો સાતમી નરકમાં ઉત્પન્ન થાય'. સાંભળનાર આંચકો ખાઈ ગયા પ્રસન્નચંદ્ર જેવા તપસ્વી અને સાતમી નરક! અસંભવ. એમણે વિચાર્યું કે કાં ભગવાન આપણો પ્રશ્ન જુદી રીતે સમજયા લાગે છે, કાં આપણા સાંભળવામાં કંઈક ભૂલ થાય છે. એટલે થોડીવાર રહીને, સ્પષ્ટતા કરવા ફરી એ જ પ્રશ્ન કર્યો : ‘પ્રભુ! અમે અહીં આવતા હતા ત્યારે માર્ગમાં અમને કાયોત્સર્ગમાં લીન પ્રસન્નચંદ્ર મુનિનાં દર્શન થયાં. તેમની કાયા ઘણી કૃશ થઈ ગયેલી. વિચાર આવે છે કે એમનું હમણાં જ મૃત્યુ થઈ જાય તો એ કયાં ઉત્પન્ન થાય? ‘સર્વાર્થસિદ્ધ દેવલોકમાં'. સાંભળનાર આશ્ચર્યચકિત હતા. એટલામાં તો દેવદુંદુભિનો નાદ સંભળાયો. એ દેવદુભિ શા નિમિત્તે વાગી રહ્યાં છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે પ્રસન્નચંદ્ર મુનિ, સર્વઘાતી કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામ્યા એ નિમિત્તે દેવો એના દ્વારા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. સાંભળનાર અવાક્ રહી ગયા. ક્ષણવાર પહેલાં જ ભગવાને નહોતું કહ્યું કે એ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થશે! સર્વજ્ઞના કથનમાં આમ ફેર કાં? પોતાની મૂંઝવણ તેમણે પ્રભુ આગળ રજૂ કરી. ભગવાન મહાવીર પ્રભુએ ફોડ પાડી સમજાવ્યું કે પહેલીવાર તમે પૂછ્યું ત્યારે પ્રસન્નચંદ્ર મનથી તો યુદ્ધ ખેલી રહ્યા હતા. તે વખતના અત્યંત સંકલેશયુક્ત અધ્યવસાયના કારણે એમણે એવાં અશુભ કર્મ પરમાણુઓ ભેગા કર્યા હતા કે તે વખતે જો એમનું આયુષ્ય પૂરું થાત તો એ કર્મદલિકો એમને સાતમી નરકે ઘસડી જાત. બીજી વેળા તમે પ્રશ્ન કર્યો ત્યારે પ્રસન્નચંદ્ર મુનિ પુન: આત્મભાવમાં આવી ગયા હતા અને શુક્લ અધ્યવસાયમાં રમતા હતા. તે વખતે એમનું આયુષ્ય પૂરું થઈ જાત તો એ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવ થાત. પણ, આયુષ્ય લંબાયું એટલે શુક્લધ્યાનની ધારામાં આગળ વધતા રહી, એ શુભ કર્મદલિકોની પણ એમણે નિર્જરા કરી નાખી અને સર્વ ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી જીવન્મુક્ત
બન્યા.
-
મુક્તિનો કે ભવભ્રમણનો મુખ્ય આધાર ચિત્ત છે; કાયાથી કોઈ પાપકર્મ ન આચર્યું હોવા છતાં, યાવત્ સાતમી નરક સુધી લઈ જાય એવો અશુભ કર્મબંધ થઈ શકે છે; તેમ પુણ્યબંધના કારણરૂપ મનાતી દાનાદિ કોઈ પ્રવૃત્તિ ન કરી હોય તોપણ, અનુત્તર દેવલોકનાં સર્વોચ્ચ સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત કરાવનાર શુભ કર્માણુઓ પણ એકઠાં થઈ શકે છે એ તથ્ય આ દૃષ્ટાંત કેટલું સચોટપણે રજૂ કરે
છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org