________________
પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત/૨૨૯
વાત છે ભગવાન મહાવીરના સમયની. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી, રાજવી પ્રસન્નચંદ્રનો માંહ્યલો જાગી ઊઠયો. અંતરમાં ઉત્કટ વૈરાગ્ય ભભૂકી ઊઠયો. વૈભવ-વિલાસની ધ્યેયશૂન્ય જિંદગી એમને અકારી થઈ પડી. રાજપાટનો ત્યાગ કરી, દીક્ષા લઈ જીવનને કૃતાર્થ કરી લેવાનો સંકલ્પ એમણે કરી લીધો. યુવરાજની વય નાની હતી. રાજધુરા વહી શકે એવી ક્ષમતા એનામાં હજુ નહોતી દેખાતી. છતાં, ‘યુવરાજ તૈયાર થઈ જાય તે પછી દીક્ષા લેવી' એવું વિચારી એમણે દીક્ષા ભવિષ્ય પર ન ઠેલી. ઉત્કટ વૈરાગ્યવાળાને કાળક્ષેપ કરવો પરવડતો નથી. ‘મંત્રી વિશ્વાસુ છે' એ ધરપત રાખી, યુવરાજને ગાદી સોંપી, એ રાજવી ભગવાન મહાવીરના ચરણે બેઠા–દીક્ષિત થઈ, સાધનામાં લીન બન્યા. એકવાર તેઓ ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને અડોલ ઊભા હતા ત્યારે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળવા એ રસ્તેથી જઈ રહેલા જન-સમુદાયમાંથી કોઈએ એમના ઉત્કટ વૈરાગ્યની પ્રશંસા કરી. એ સાંભળી એક જણે ટાપસી પૂરી કે એમણે બહુ ઉતાવળ કરી. કાચી વયના યુવરાજને રાજયનો ભાર સોંપીને એ ચાલી નીકળ્યા એ ભૂલ કરી. આજે પાડોશી રાજાએ એમના રાજ્ય પર ચઢાઈ કરી છે. સંભવ છે કે બિન-અનુભવી યુવા રાજવી પાસેથી રાજય છીનવાઈ જાય. આ શબ્દો કાયોત્સર્ગમાં રહેલા પ્રસન્નચંદ્ર મુનિના કાને પડતાં એમના જૂના સંસ્કાર જાગી ઊઠયા. પુત્રમમત્વ સળવળી ઊઠયું. પલકારામાં એમનું ચિત્ત યુદ્ધભૂમિ પર પહોંચી ગયું. શત્રુ રાજા સાથે ખૂનખાર લડાઈમાં એ પરોવાઈ ગયું. બંને રાજા સામસામા આવી જાય છે, ને બન્ને મહારથીઓ વચ્ચે જીવસટોસટનું યુદ્ધ ખેલાય છે. બંનેમાંથી કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. એમ કરતાં પ્રસન્નચંદ્ર રાજા પાસેનાં બધાં શસ્રો ખલાસ થઈ જાય છે ત્યારે પોતાના મુગટનો શત્રુરાજાની છાતી પર ઘા કરીને એને ઘોડા પરથી હેઠો પાડી દેવાનો વિચાર કરી, રાજા પ્રસન્નચંદ્ર મુગટ લેવા હાથ માથા પર લઈ જાય છે. મુગટના બદલે મુંડન કરેલું માથું હાથને સ્પર્શે છે. કાયોત્સર્ગમાંથી યુદ્ધભૂમિ પર જઈ ચડેલું પ્રસન્નચંદ્ર મુનિનું ચિત્ત આંચકો ખાઈ, પાછું વળે છે. હું મુનિઅણગાર, રાજને અને મારે શું લાગે વળગે? આ દૃશ્ય-જગતમાં ‘મારું’ શું છે? આ કાયા પર પણ મારો કશો અધિકાર નથી. વિશુદ્ધ જ્ઞાન અને આનંદની ઉપાસના ચૂકી જઈ, આ મેં શું કર્યું! રોજિંદા ધ્યાનાભ્યાસથી કેળવાયેલું ચિત્ત તત્ક્ષણ માયા-મમતા ખંખેરીને સંકલેશમુક્ત બની ગયું. ચિત્તને સમેટી લઈ, મુનિ પાછા ધ્યાનમાં લીન બન્યા.
આ બાજુ, દેશના સાંભળવા જઈ રહેલા પેલા લોકો પ્રભુ મહાવીર પાસે પહોંચે છે. પોતાના મનની ગડમથલ ભગવાન પાસે વ્યક્ત કરતાં એક જણ ભગવાનને પૂછે છે કે પ્રભુ! અમે અહીં આવતા હતા ત્યારે અમે પ્રસન્નચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org