________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૩
વિધિ-નિષેધ જપ-તપ કર્મકાંડ આદિ દ્વારા અશુભ વૃત્તિ-પ્રવૃત્તિને અંકુશમાં લઈ શુભમાં પ્રવર્તન કરવાના માર્ગની મર્યાદા પ્રભુવીરે જોઈ લીધી હતી. એનાથી તત્કાલીન શુભ પરિવર્તન આવેલું દેખાય, પણ વૃત્તિઓની જડનું ઉન્મૂલન થતું ન હોવાથી, ઉપશાંત થઈને પડી રહેલી એ વૃત્તિ મોડીવહેલી ફરી સપાટી પર આવે છે ત્યારે, સાધક ઉપશાંત મોહ નામના અગ્યારમા ગુણસ્થાને પહોંચ્યો હોય તોયે પાછો નીચે ફંગોળાઇ જાય છે. ઉપશમ માર્ગની આ મર્યાદા છે– શમાવી દીધેલા દોષો અજાગૃતિની ક્ષણોમાં ફરીવાર કાર્યરત બની શકે છે. આથી, ભગવાન મહાવીરે ક્ષાયિક માર્ગ જ અપનાવ્યો. સદા સતત અંતર્મુખ રહી, અપ્રમત્તપણે, વૃત્તિઓનાં મૂળને નિરખી લઈ તેનું ઉન્મૂલન કરતા આગળ વધતા રહ્યા.
મહાવીર પ્રભુના દીર્ઘ સાધનાકાળમાં અનેકાનેક પરીષહ-ઉપસર્ગ એમની સામે આવ્યા. એને ટાળવા કે ખાળવા એમણે કશો પ્રયાસ કર્યો નથી-નથી એનાથી દૂર ભાગ્યા કે નથી એનો પ્રતિકાર કર્યો–સર્વત્ર સમત્વ જ એમનું આયુધ રહ્યું છે. યાદ રહે કે ભાવિમાં દારુણ ઉપસર્ગો આવવાનાં છે એ જણાવી, ખુદ ઇન્દ્રે એમની સેવામાં સાથે રહેવાની અનુમતિ માગેલી, પણ ભગવાન મહાવીરે એવી કોઈ સહાય લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ક્રુદ્ધ ગોવાળિયાનાં આક્રોશ-અપમાન-માર, શૂલપાણિ યક્ષે કરેલી દારુણ વેદના, કઠપૂતનાનો શીત પ્રકોપ, સંગમ દેવ દ્વારા થયેલી વિવિધ પ્રકારની યાતનાની પરંપરા વગેરે ઉપસર્ગો ભગવાને કાયોત્સર્ગ-ધ્યાનમાં અપ્રમત્ત રહી વેદી લીધા છે. ઇન્દ્રો દ્વારા પૂજા-સત્કાર-સ્તવનાની આહ્લાદક ક્ષણો કે, એનાથી સાવ વિપરીત, અપમાન-તાડન-તર્જનના વિષમ પ્રસંગો જીવનમાં ઉપસ્થિત થયા ત્યારે એ મહાસાધક એ પ્રત્યેક પ્રસંગ-પરિસ્થિતિના કેવળ દ્રષ્ટા જ રહ્યા છે-રાગ કે રોષના વિકલ્પોને અંત:કરણમાં અવકાશ જ નથી આપ્યો. ચિત્તની વિકલ્પાત્મક અવસ્થામાં જ સુખ-દુ:ખના કર્તા-ભોક્તા થવાય છે; જયારે એ અપ્રમત્ત સાધક તો કાયા, વાણી અને ચિત્તને સ્થિર નિશ્ચલ રાખી ધ્યાન-કાયોત્સર્ગમાં લીન રહેતા.
કાયોત્સર્ગ, સાધનાનું હાર્દ
ભગવાન મહાવીર દીક્ષા અંગીકાર કર્યા પછી સાડા બાર વર્ષ, આહાર અને ઊંઘ લેવા પ્રત્યે પણ ઉદાસીન રહી, એકાંત અને નિર્જન સ્થાનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org