________________
સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૭ દ્રવ્યથી પોતાને કંઈ લાભ-હાનિ નથી' એ સિદ્ધાંતના અમલનો પ્રયોગ પ્રથમ રોજિંદા જીવનવ્યવહારમાં કરવો જોઈએ. રોજ-બ-રોજના જીવનમાં પ્રાપ્ત અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં, એ વચનનો આધાર લઈને, સુખદુ:ખ, હર્ષ-શોક, માન-અપમાન વગેરે દ્રોની અસરથી તે પોતાના ચિત્તને જેટલા અંશે મુક્ત રાખી શકે તેટલા અંશે નિશ્ચયનું ઉપર્યુક્ત કથન તેના અંત:કરણમાં સ્થાન પામ્યું ગણાય. આ રીતે, જાગૃતિપૂર્વક, પરથી પોતાની ભિન્નતાનું ભાન તે જીવનમાં દૃઢ કરતો રહે તો તેનું ચિત્ત સંકલ્પ-વિકલ્પથી ઉત્તરોત્તર અધિકાધિક મુક્ત બની સ્વમાં ઠરતું જાય.
કિંતુ મનોજ્ઞ-અમનોજ્ઞ બાહ્ય નિમિત્તોથી તેના ચિત્તમાં ગમાઅણગમાના, હર્ષ-શોકના કે રાગ-દ્વેષના ભાવો જયાં સુધી ઊઠતા હોય, અને પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂતિ અર્થે ઉપલબ્ધ સામગ્રીમાં જયાં સુધી પસંદગીનું ધોરણ તે અપનાવતો હોય, ત્યાં સુધી આત્મવિકાસ અર્થે પણ પ્રાપ્ય નિમિત્તોમાં તેણે પસંદગીનું ધોરણ અપનાવવું ઘટે. ભોજન કરતી વખતે પોતાની રુચિ મુજબનાં બાહ્ય વાતાવરણ, સ્થળ અને ખાનપાનની વસ્તુઓ વગેરેની પસંદગી સાધક કરતો હોય ત્યાં સુધી ‘પર નિમિત્તોની પોતાને કંઈ અસર નથી' એ વાત તે ક્યા મોઢે કરી શકે? ‘પરથી પોતાને કંઈ લાભ-હાનિ નથી’ એ ભાવ તેના અંત:કરણમાં દૃઢ થયો હોય તો આવી પસંદગીનો પ્રશ્ન રહે ખરો? માટે, બાહ્ય નિમિત્તાનુસાર પોતાનું ચિત્ત ગમા-અણગમા, હર્ષ-શોક કે સુખ-દુ:ખના ઝૂલે ચડતું હોય ત્યાં સુધી સાધકે આત્મવિકાસ કાજે પણ સાધક-બાધક નિમિત્તો વચ્ચે પસંદગી કરવી શ્રેયસ્કર છે. એ ભૂમિકાએ સ્વરૂપાભિમુખ રહેવામાં જેનાથી પોતાને સહાય મળતી હોય એવાં નિમિત્તોનો સંગ મેળવવા તેણે પ્રયત્નશીલ રહેવું જોઈએ; અને જેનાથી પોતાના રાગ-દ્વેષ-વાસના, વિકાર કે કષાયો-ઉદ્દીપ્ત થતાં હોય તેવાં નિમિત્તોથી અળગા રહેવા સજાગ રહેવું જોઈએ. નહિતર, નિશ્ચયનાં વચનોનું અવલંબન તેને આત્મવંચનાના વમળમાં ગોથાં ખવરાવશે.
આત્મવિકાસ સાધવો હોય તેણે, વ્યવહારની ભૂમિકાએ, નિમિત્તોની પસંદગી કરવી જ રહી. સાધનાનું, સંયમનું અને માર્ગાનુસારી જીવનનું બીજ આ પસંદગી છે. જો આવી કોઈ પસંદગી કરવાની રહેતી જ ન હોય તો માર્ગાનુસારીપણાનો કે સાધનાના પુરુષાર્થનો કોઈ પ્રશ્ન જ ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org