________________
૧૧૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
ગમે તેવી ઊથલપાથલોથી કે ગમે તેવા પ્રતિકૂળ વળાંક લેતી તેની બાહ્ય પરિસ્થિતિમાં પણ ક્ષુબ્ધ નહિ થાય, સંકલ્પ-વિકલ્પગ્રસ્ત નહિ બને; દુન્યવી સર્વ ઝંઝાવાતો, વિટંબણાઓ અને આપત્તિઓ વચ્ચેથી એ સમભાવે પસાર થઈ શકશે. એનું જીવનદર્શન જ બદલાઈ ગયું હોય છે પોતાનાં સુખસલામતી-અસ્તિત્વ ‘પર’ ઉપર નિર્ભર નથી એ વાત એને સમજાઈ ગઈ હોય છે, એનો તે અનુભવ કરી રહ્યો હોય છે. એટલે બહારની ઉથલપાથલથી એ વ્યગ્રતા અનુભવતો નથી. પ્રારબ્ધ કર્માનુસારે બાહ્ય જીવનમાં સુખ-દુ:ખ, માન-અપમાન, સંપત્તિ-વિપત્તિ, સંગી કે છત/affluenceનો અનુભવ તેને મળે છે પણ, એ બધાથી પોતે અસ્પૃષ્ટ છે એ બોધ-એ અનુભવ-એને હોવાથી બાહ્ય સર્વ ઘટનાઓ અને પરિવર્તનમાંથી તે સાક્ષીભાવે માત્ર પસાર થવાનું પસંદ કરે છે. કશી ખરીદી કરવી ન હોય ત્યારે બજારમાંથી નીકળતાં, વિવિધ ભાતના માલને પ્રદર્શિત કરતા શો-કેસવાળી દુકાનોની હાર વટાવતાં એ તરફ કશું લક્ષ આપ્યા વિના, સ્વમાં ખોવાયેલા રહી, આપણે જેમ પસાર થઈ જતા હોઈએ છીએ તેમ જીવનમાંથી તે સાક્ષીભાવે માત્ર પસાર થઈ જાય છે; જીવન પાસેથી એને કશું લેવું-મેળવવું નથી હોતું – એ આત્મતૃપ્ત હોય છે.
મૃગજળને મૃગજળરૂપ જાણતી વ્યક્તિ તૃષા છિપાવવા એના તરફ દોટ નથી મૂકતી, કે નથી એ પાણીને તરીને કેમ પાર થવાશે એની ચિંતા કરતી. હાઇવે ઉપર કાર પૂરપાટ દોડયે જતી હોય ત્યાં સામે માથોળું પાણી લહેરાતાં દેખાય તો? સામાન્યત: ચિંતા જન્માવે. પણ એ પ્રદેશથી જે પરિચિત છે-જે જાણે છે કે અહીં પ્રદેશ સૂકો છે, ઉનાળામાં ઝાંઝવાનાં નીર દેખાવાં એ આ પ્રદેશની સામાન્ય ઘટના છે તે એ ઝાંઝવાનાં નીર જોઈને ખચકાટ અનુભવતો નથી, પણ પૂર્વવત્ ગાડી દોડાવતો રહી એની વચ્ચેથી પસાર થઈ જાય છે. આવી જ સ્થિતિ હોય છે/જીવનમાં જ્ઞાનીનીઅનુભવીની-સમ્યગ્દષ્ટ આત્માની. ભૌતિક જીવનની ચડઉતરમાંથી એ, બહુધા સ્થિતપ્રજ્ઞ રહી, પસાર જ થાય છે; એને એમાં કશું ખોવાનો ભય કે કશું મેળવવાની અપેક્ષા નથી હોતાં. એની એક માત્ર ઇચ્છા સ્વમાં ઠરવાની — ચારિત્રમોહનીય-વિવશ ચિત્તમાં ઊઠતી વૃત્તિઓના આવેગોને ઉપશમાવી દઈ સ્વ-ભાવમાં વધુ ને વધુ સ્થિત રહેવાની હોય છે. આમ, એનું આખુંયે જીવન સહજ નિષ્કામ કર્મયોગમય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org