________________
૧૦૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
હોય તો એ વ્યકિત બીજી સવારે દશ વાગે ઑફિસે જવાની તૈયારીમાં હશે ત્યાં ઓચિંતાનું એને નાહવાનું મન થશે, અને તે અચૂક ફરીથી નાહવા બેસી જશે. માટે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં સમ, સ્વસ્થ અને સમાધિસ્થ રહેવા ઇચ્છનારે શ્રવણ-વાંચન-મનનથી સંતોષ માની બેસી ન રહેતાં, પોતાની સમજને-તત્ત્વશ્રદ્ધાને-અવચેતન ચિત્ત સુધી લઈ જવી જોઈએ. અવચેતન ચિત્ત શુદ્ધ થયું હોય, સ્વાધીન થયું હોય તો જ વૃત્તિપ્રવૃત્તિ/વિચાર-વર્તન મોહપ્રેરિત ન રહેતાં સ્વરૂપબોધમાંથી સહજ પ્રવાહિત થતાં રહે.
આપણી ચિત્તવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં જણાશે કે જયારે આપણા અવિકારી-શુદ્ધ-જ્ઞાયક સ્વરૂપ સાથેના આપણા તાદાત્મ્યનું ભાન જાગૃત હોય છે ત્યારે બહારના બનાવો, પરિસ્થિતિઓ, ઘટનાઓ વગેરેના આપણા ચિત્તમાં ઘેરા આઘાત-પ્રત્યાઘાત નથી ઊઠતા; પરંતુ આપણે જયારે આ દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે ઐક્ય અનુભવતા હોઈએ છીએ ત્યારે ચિત્તમાં સંક્લેશ, ભય, ચિંતા, દૈન્યભાવ, મદ, તૃષ્ણા અને આર્તધ્યાન રમતાં થઈ જાય છે. અર્થાત્ નિજના શુદ્ધ, જ્ઞાયક સ્વરૂપની પ્રતીતિ જેટલી દૃઢ તેટલો સંક્લેશ ઓછો રહે છે. સ્વરૂપની વિસ્મૃતિ થતાં ચિત્તમાં મોહનિત વૃત્તિઓ ઊમટી આવે છે, અને ત્યાં દેહાત્મબુદ્ધિ-અહંકાર-મમકાર અને કર્તૃત્વાભિમાનનું સામ્રાજય વ્યાપે છે.
સ્વરૂપ સાથેના આપણા તાદાત્મ્યનું ભાન આત્મદર્શન (યાને અનુભૂતિ) દ્વારા અવચેતન મન સુધી પહોંચે છે. સ્વપ્નમાં પણ તે બોધની વિસ્મૃતિ થતી નથી. માટે કેવળ શ્રુત અને ચિંતનથી કૃતાર્થતા ન માનતાં, અનુભૂતિને તત્ત્વપ્રાપ્તિનું ત્રીજું અને અંતિમ ચરણ કહ્યું. ત્યાં જ એ તથ્ય આપણું પોતાનું બને છે; વાંચન-શ્રવણ અને ચિંતનથી લાધેલું સત્ય પારકું છે, ઊછીનું લીધેલું છે—અન્યના બોધનો આપણી બુદ્ધિમાં પડેલો એ પડછાયો છે. પડછાયો કેટલું કામ કરી શકે? બાળકને ડરાવવા-ફોસલાવવા પડછાયો કામ લાગે, પણ પ્રૌઢ બુદ્ધિને પડછાયાથી ડરાવી-ફોસલાવી શકાતી નથી. તે તો પોતાના ‘દર્શન’ને વળગી રહે છે. તેથી, અનુભૂતિ નથી થઈ હોતી ત્યાં સુધી ઉત્તેજનાની ક્ષણોમાં કે આપત્તિ-વિપત્તિમાં આપણી પ્રતિક્રિયા કર્મકૃત વ્યક્તિત્વ સાથેના તાદાત્મ્યના ભાન પૂર્વકની અર્થાત્ ભૌતિક ભૂમિકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org