SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૯૭ એકરૂપ થઈને રહેલ દૂધ અને પાણીને હંસની ચાંચ અલગ કરી દે છે, તેમ અનાદિથી—અનંત જન્મોથી–પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અનુભવ અલગ પાડી બતાવે છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે અંતર્મુહૂર્ત પર્યંત ચિત્ત દેહાભિમાનથી અલગ થઈ આત્મજયોતિમાં લીન રહે છે ત્યારે નિજના નિરુપાધિક સહજ આનંદ, જ્ઞાન, સામર્થ્યની ઝલક આત્માને મળે છે અને “દેહાદિથી ભિન્ન હું જ્ઞાનઆનંદનો પિડ છું” એવો અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ આત્મામાં પથરાય છે. આથી, જન્માંધને દૃષ્ટિ પ્રાપ્ત થતાં, અને દીર્ઘ કાળથી વ્યાધિથી પીડિતને પોતાનો રોગ કોઈ જડીબુટ્ટીથી તત્ક્ષણ નાબૂદ થતાં, જેવો આનંદ અને વિસ્મય થાય એથીયે અધિક આનંદ અને વિસ્મયની લાગણી સમ્યગ્દર્શનની પ્રથમ પ્રાપ્તિ વખતે અનુભવાય છે. એ અપૂર્વ, અનુભવથી જીવન અને જગત પ્રત્યેની દૃષ્ટિમાં અકલ્પ્ય પરિવર્તન આવે છે. તેથી, પહેલાં જેવા તીવ્ર રાગ-દ્વેષ એ પછી જાગી શકતા નથી. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગ-દ્વેષની આધારશિલા જ ઊથલી પડે છે, અર્થાત્ ‘નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ' ભેદાઈ જાય છે. અહં, મમત્વ અને કષાયોનું મૂળ દેહાત્મભ્રમ છે; સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. ભેદજ્ઞાન થતાં સંસારનું એ બીજ શેકાઈ જાય કે બળી જાય છે. તે પહેલાં રાગ-દ્વેષ ઉપર ઉપરથી કદાચ મોળાં પડેલાં દેખાય છે, પણ એનું મૂળ કાયમ રહે છે. લીલુંછમ વૃક્ષ પાનખરમાં ઠુંઠા જેવું થઈ ગયેલું દેખાય પણ, એનાં મૂળિયાં સલામત હોય તો, ગ્રીષ્મમાં ફરી લીલુંછમ બની જાય છે; પરંતુ વંટોળ કે આંધીથી મૂળમાંથી ઊખડીને જમીન પર પડેલું ઝાડ હર્યુંભર્યું દેખાતું હોય તોયે થોડા જ સમયમાં તે ઠુંઠું – ઠુંઠું પણ નહિ, માત્ર નિર્જીવ લાકડું જ બની જાય છે; કારણ કે એનાં ડાળાંપાંખડાં વગેરેને જીવન આપતા રસનો સ્રોત તેનાં મૂળિયાં ધરતીથી અલગ થયાં ત્યારથી જ બંધ થઈ જાય છે. મૂળ દ્વારા મળતા જીવનરસનો સ્રોત બંધ થતાં એ વૃક્ષનાં પાંદડાં કરમાઈ જાય છે, ડાળ-પાંખડાં સુકાવા લાગે છે અને કાલક્રમે થડમાંથી પણ રહ્યોસહ્યો રસ સુકાઈ જતાં તે માત્ર નિષ્પ્રાણ લાકડું જ રહે છે; તેમ સ્વાનુભૂતિ દેહાત્મબુદ્ધિરૂપ રાગ-દ્વેષની જડને જ ઉખેડી ફેંકી દે છે તેથી, એની સાથે, મોહનું આખુંયે વિષવૃક્ષ તૂટીને ઢગલો થઈ નીચે પડે છે, અને ક્રમશ: તે કરમાઈ, સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી, – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy