________________
૯૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
૧૩. સયોગી કેવળી ગુણસ્થાન
આ ગુણસ્થાન સાધકોનું નહિ પણ આત્મસાધનાનો સમગ્ર પથ સફળતાથી પાર કરીને આત્મવિકાસની સર્વોચ્ચ ટોચે બેઠેલા જીવન્મુક્તોનું છે. આ ગુણસ્થાનકે રહેલ આત્માઓને જૈન પરિભાષામાં ‘સયોગી કેવળી’ કહે છે. બધા જ સયોગી કેવળીઓ પૂર્ણજ્ઞાની, રાગ-દ્વેષ-મોહથી સદંતર મુક્ત અને નિરંતર આત્મભાવમાં જ લીન હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછીનું તેમનું સમગ્ર જીવન પૂર્ણ નિષ્કામ કર્મયોગના આદર્શ નમૂનારૂપ હોય છે. પ્રારબ્ધકર્મ અનુસાર તે વહ્યું જતું હોય છે; એમને પોતાને કોઈ જ ઇચ્છા કે આકાંક્ષા હોતી નથી – જીવવાનીયે નહિ અને મરવાનીયે નહિ. આયુષ્યની અંતિમ પળોમાં ચૌદમા—અયોગી કેવળી ગુણસ્થાનકને સ્પર્શી, દેહપિંજરમાંથીયે મુક્ત થઈ જઈ, તેઓ સિદ્ધિગતિને વરે છે/વિદેહમુક્ત બને છે. એ પછી ભવચક્રમાં તેમનું અવતરણ કોઈ કાળે થતું નથી.
તીર્થંકરો પણ આ જ ગુણસ્થાને રહેલા હોય છે. આત્મિક સંપત્તિમાં તેઓ બીજા કેવળીઓ સમાન જ હોય છે. કિંતુ, આગલા જન્મોમાં તેઓને જયારે સમ્યગ્દર્શનની પ્રથમ ઉપલબ્ધિ થાય છે ત્યારે તેમના અંતરમાં એવી ઉત્કટ અભિલાષા જાગે છે કે દુ:ખસંતપ્ત જગતના સર્વ જીવોને મુક્તિનો માર્ગ ચીંધીને, હું સૌને આ પથે વિહરતા કરી દઉં. આના પરિણામે તેમને ઉત્કૃષ્ટ પુણ્યલાભ થાય છે. આથી, તીર્થંકર તરીકેના તેમના અંતિમ જન્મમાં જન્મથી જ અમુક અદ્રિતીય વિશેષતાઓ તેમનામાં હોય છે; ધર્મનેતા થવા જ તેઓ સર્જાયા હોય છે. ફલત: તેમને જયારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે અન્ય કેવળીઓથી તેઓ અત્યંત વિશિષ્ટ કોટિના બાહ્ય ઐશ્વર્ય, અભિવ્યક્તિના સર્વોચ્ચ કૌશલ્ય તેમજ આદેયતા આદિ નેતા પ્રાયોગ્ય અન્ય વિશિષ્ટ શક્તિઓ/‘અતિશયો’ વડે જુદા તરી આવે છે; અને, પૂર્વે સેવેલી અભિલાષા અનુસાર, ધર્મતીર્થ પ્રવર્તાવી મોક્ષ-માર્ગના સારથિ બને છે.
ગુણવિકાસની ભૂમિકાઓના સંદર્ભમાં, ગુણસ્થાનકની આગમિક શૈલી જ જેની દૃષ્ટિસમક્ષ રહી હોય અને, જૈન પરંપરામાં પ્રચલિત કેટલાક વ્રત-નિયમ અને કર્મકાંડ કરવા માત્રથી કે ઘરબારનો ત્યાગ કરી પોતે દીક્ષિત જીવન અંગીકાર કર્યું હોવાના કારણે પોતાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ચૂકી હોવાનું માનતાંમનાવતાં હોય એવા શ્રેયાર્થીઓએ, અંતર્મુખ બની, યોગદૃષ્ટિ-સૂચિત ઉપર્યુક્ત વિકાસક્રમના પ્રકાશમાં, પોતાની વાસ્તવિક ભૂમિકાનો અંદાજ મેળવી લઈ, આત્મવંચનાના મધુર સ્વપ્નમાંથી જાગી જઈ, પોતાની સાધનાને સાચો વળાંક આપવો ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org