________________
“જાગીને જોઉં તો જગત દીસે નહિ!”|૬૭
આપણો એ સામાન્ય અનુભવ છે કે જે વસ્તુ કે પરિસ્થિતિની ક્ષણિકતા આપણા ચિત્તમાં વસી ગઈ હોય તેના પ્રત્યે આપણને ગાઢ આસક્તિ નથી જન્મતી; જ્યાં કંઈક નિત્યતા સ્થિરતાની બુદ્ધિ હોય છે ત્યાં જ હર્ષ-શોકને વધુ અવકાશ મળે છે. ઉદાહરણ તરીકે પચીસ રૂપિયાની ફૂલની માળાને બીજે દિવસે કચરાપેટીમાં નાખી દેતાં જરાય આંચકો નથી લાગતો, પણ એક રૂપિયાનો નવો ઘડો બે અઠવાડિયાં વાપર્યા પછી અકસ્માત્ ફૂટી જાય તો? ઘડો છ મહિના ચાલશે એવી બુદ્ધિ હોવાના કારણે જ એ વહેલો ફુટી જાય છે ત્યારે અંતરમાં ધક્કો લાગે છે; અર્થાત્ એની ક્ષણભંગુરતા ચિત્તમાં વસી ન હોવાથી, તેના પ્રત્યે આસક્તિ રહે છે.
વિપશ્યનાનો નિષ્ઠાવાન સાધક સાધનામાં જેમ જેમ પ્રગતિ કરતો રહે છે તેમ તેમ તેનું ચિત્ત ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મગ્રાહી અને સંવેદનશીલ બનતાં, માત્ર સ્થૂલ જ નહિ, પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સંવેદનાઓને પકડવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. એમ કરતાં એક અવસ્થાએ તે પોતાનું શરીર ઘનસ્વરૂપે નહિ પણ પ્રતિક્ષણ અનેકશ: પલટાતા પરમાણના પુંજરૂપે-ઉપર ટાંકેલા વૈજ્ઞાનિકના શબ્દોમાં કહીએ તો, ‘clouds of swarming energetic particles' રૂપે-અનુભવે છે. પોતાના દેહમાં પ્રતિ સેકંડે પાંચ કરોડ કોશિકાઓનું વિઘટન અને નવસર્જન થઈ રહ્યું છે એ તથ્ય ભૌતિક વિજ્ઞાની યંત્રોની મદદથી જાણે છે, વિપશ્યનાનો પ્રગતિશીલ સાધક એ તથ્યને પોતાના જાતઅનુભવથી જાણી લે છે. સ્થૂલ ભાષામાં કહીએ તો, તેને પોતાનું શરીર ધુમાડાના ગોટા જેવું પોલું અને સાવ અસ્થિર ભાસે છે. ધૂપદાનીમાંથી નીકળતી ધૂમ્રસેરમાં સર્જાતી ક્ષણભંગુર આકૃતિઓ સમી આ કાયામાં પછી સ્થિર ‘હું’ની બુદ્ધિ કયાં ટકે? એટલે એ અનુભવની સાથે અનાસક્તિ અનાયાસ આવે છે. તેની તૃષ્ણાઓ ખરી પડે છે, ને કામ-ક્રોધ-લોભ, ગમા-અણગમા આદિ વિકારોની પકડમાંથી તે બહાર આવતો જાય છે.
કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથેનો આપણો સંબંધ અલ્પ ક્ષણો પૂરતો જ છે એનું આપણને સ્પષ્ટ ભાન હોય છે ત્યારે ત્યાં આસક્તિ/ વળગણ નથી રહેતાં એ તો સૌનો અનુભવ છે. દા. ત. લાંબી મુસાફરી દરમ્યાન કોઈ ઠેકાણે ધર્મશાળામાં બે-ચાર કલાક ગાળવાના હોય કે રાતવાસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org