________________
૬૮
જૈન ધર્મ-દર્શન શ્રમણ સંસ્કૃતિ
આ ધારા માનવના તે ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જે તેના વૈયક્તિક સ્વાર્થથી ભિન્ન છે. બીજા શબ્દોમાં, શ્રમણ પરંપરા સામ્ય પર પ્રતિષ્ઠિત છે. આ સામ્ય મુખ્યપણે ત્રણ બાબતોમાં જોઈ શકાય છે– (૧) સમાજવિષયક, (૨) સાધ્યવિષયક અને (૩) પ્રાણીજગત પ્રતિ દષ્ટિવિષયક.' સમાજવિષયક સામ્યનો અર્થ છે – સમાજમાં કોઈ એક વર્ગનું જન્મસિદ્ધ શ્રેષ્ઠત્વ યા કનિષ્ઠત્વ ન માનીને ગુણકૃત અને કર્મકૃત શ્રેષ્ઠત્વ કે કનિષ્ઠત્વ માનવું. શ્રમણ સંસ્કૃતિ સમાજરચના અને ધર્મવિષયક અધિકારની દૃષ્ટિએ જન્મસિદ્ધ વર્ણ અને લિંગભેદને મહત્ત્વ ન આપીને વ્યક્તિ દ્વારા આચરાતા કર્મ અને ગુણના આધાર પર જ સમાજરચના કરે છે. તેની દૃષ્ટિમાં જન્મનું એટલું મહત્ત્વ નથી જેટલું પુરુષાર્થ અને કર્મનું છે. માનવસમાજનો ખરો આધાર વ્યક્તિનો પ્રયત્ન અને કર્મ છે અને નહિ કે જન્મસિદ્ધ તથાકથિત શ્રેષ્ઠત્વ. કેવળ જન્મથી કોઈ શ્રેષ્ઠ નથી બનતું કે હિન નથી બનતું. હીનતા અને શ્રેષ્ઠતાનો વાસ્તવિક આધારસ્વકૃત કર્મ છે. સાધ્યવિષયક સામ્યનો અર્થ છે–અભ્યદયનું એકસરખું રૂપ. શ્રમણ સંસ્કૃતિનો સાધ્યવિષયક આદર્શ તે અવસ્થા છે જ્યાં કોઈ પ્રકારનો ભેદ નથી રહેતો. તે એક એવો આદર્શ છે જ્યાં ઐહિક અને પારલૌકિક બધા સ્વાર્થોનો અંત આવી જાય છે. ત્યાં ન તો આ લોકના સ્વાર્થો સતાવે છે, ન તો પરલોકનું પ્રલોભન વ્યાકુળતા ઉત્પન્ન કરે છે. તે એવી સામ્યવસ્થા છે જ્યાં કોઈ કોઈનાથી ઓછું યોગ્ય નથી રહી શકતું. આ અવસ્થા યોગ્યતા અને અયોગ્યતા, અધિકતા અને ન્યૂનતા, હીનતા અને શ્રેષ્ઠતા – બધાંથી પર છે. પ્રાણીજગત પ્રતિ દષ્ટિવિષયક સામ્યનો અર્થ છે–જીવજગત પ્રત્યે પૂર્ણ સામ્ય. એવી સમતા કે જેમાં કેવળ માનવસમાજ યા પશુપક્ષીસમાજ જ સમાવિષ્ટ ન હોય, પરંતુ વનસ્પતિ જેવા અત્યન્ત સૂક્ષ્મ જીવસમૂહનો પણ સમાવેશ હોય. આ દષ્ટિ વિશ્વપ્રેમની અદૂભુત દૃષ્ટિ છે. વિશ્વનું પ્રત્યેક પ્રાણી, માનવ હો કે પશુ, પક્ષી હો યા કીટ, વનસ્પતિ હો યા અન્ય ક્ષુદ્ર જીવ, આત્મવત્ છે. કોઈ પણ પ્રાણીનો વધ કરવો અથવા તો તેને કષ્ટ પહોંચાડવું એ આત્મપીડા સમાન છે. ‘માત્મવત્ સર્વભૂતેષુ' ની ભૂમિકા ઉપર પ્રતિષ્ઠિત આ સામ્યદૃષ્ટિ શ્રમણ પરંપરાનો પ્રાણ છે. સામાન્ય જીવનને જ પોતાનું ચરમ લક્ષ્ય ગણનારી સાધારણ વ્યક્તિ આ ભૂમિકા ઉપર પહોંચી નથી શકતી. આ ભૂમિકા સ્વ અને પરના અભેદની પૃષ્ઠભૂમિ છે. આ પૃષ્ઠભૂમિ જ શ્રમણ સંસ્કૃતિનું સર્વસ્વ છે.
શ્રમણ પરંપરાની અનેક શાખાઓ હતી અને આજ પણ મોજૂદ છે. જૈન, બૌદ્ધ, ૧. જૈનધર્મ કા પ્રાણ, પૃ.૧. ૨. ભગવતીસૂત્ર, ૯.૬૩૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org