________________
૩૬૨
જૈન ધર્મ-દર્શન
કરવું એ પણ કામભોગતીવ્રાભિલાષા અતિચાર જ કહેવાય છે કેમ કે તેનાથી સન્તોષગુણનો ઘાત થાય છે અને મનમાં સદા કામોત્તેજના રહ્યા જ કરે છે જે પોતાના માટે તેમ જ પોતાની પત્ની માટે દુઃખદાયી છે. ઉપર જણાવેલા અતિચારોથી સદાચાર દૂષિત થાય છે. તેથી શ્રાવકે તેમનાથી બચવું જોઈએ. શ્રાવિકા માટે સ્વપતિસન્તોષરૂપ સ્થૂલ મૈથુનવિરમણ વ્રતનું તથા તદ્વિષયક સમસ્ત અતિચારોનું આવશ્યક પરિવર્તન સાથે યોગ્ય શબ્દોમાં સંયોજન કરી લેવું જોઈએ.
-
(૫) ઇચ્છાપરિમાણ — મનુષ્યની ઇચ્છા આકાશ જેવી અનન્ત છે. એનો અર્થ એ કે જો ઇચ્છા ઉપર અંકુશ ન રાખવામાં આવે તો કદી તૃપ્ત થઈ શક્તી નથી. ઇચ્છાતૃપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે ઇચ્છાનિયન્ત્રણ. ગૃહસ્થાવસ્થામાં રહીને ઇચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો સંભવે નહિ. હા, ઇચ્છાઓની મર્યાદા અવશ્ય બાંધી શકાય. આ ઇચ્છામર્યાદા યા ઇચ્છાનિયન્ત્રણનું નામ છે ઇચ્છાપરિમાણ. આ શ્રાવકનું પાંચમું અણુવ્રત છે. જ્યારે ઇચ્છા પરિમિત બની જાય છે ત્યારે ઇચ્છામૂલક મમત્વ અને મમત્વજન્ય સંગ્રહ અથવા પરિગ્રહ પણ પરિમિત થઈ જાય છે. પરિણામે શ્રાવક જે કંઈ પણ ઉપાર્જન અથવા સંગ્રહ કરે છે તે કેવળ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જ કરે છે. તેનાથી તે સન્તોષપૂર્વક પોતાની તથા પોતાના આશ્રિતોની પરિમિત ઇચ્છાઓ પૂરી કરે છે. શ્રાવકની આ જાતની પરિગ્રહપરિમિતિનું જ બીજું નામ સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત છે.
અન્ય વ્રતોની જેમ ઇચ્છાપરિમાણ અર્થાત્ પરિગ્રહપરિમાણ વ્રતના પણ પાંચ અતિચારો દર્શાવવામાં આવ્યા છે, તે વિવિધ પદાર્થોની મર્યાદાના ઉલ્લંઘન સાથે સંબંધ ધરાવે છે. આ અતિચારો નીચે મુજબ છે -(૧) ક્ષેત્રવાસ્તુપરિમાણઅતિક્રમણ, (૨) હિરણ્યસુવર્ણપરિમાણઅતિક્રમણ, (૩) ધનધાન્યપરિમાણઅતિક્રમણ, (૪) દ્વિપદચતુષ્પદપરિમાણઅતિક્રમણ, અને (૫) કુપ્પપરિમાણઅતિક્રમણ. મર્યાદાથી વધુ પરિગ્રહની પ્રાપ્તિ થાય તો દાનાદિ સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. તેથી પરિગ્રહપરિમાણ વ્રતની સહેલાઈથી રક્ષા થઈ શકે છે તથા સમાજહિતનાં કાર્યોને આવશ્યક પ્રોત્સાહન મળી શકે છે.
ગુણવ્રત
અણુવ્રતોની રક્ષા તેમ જ વિકાસ માટે જૈન આચારશાસ્ત્રમાં ગુણવ્રતોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુણવ્રતો ત્રણ છે (૧) દિશાપરિમાણ વ્રત, (૨) ભોગઉપભોગપરિમાણ વ્રત, અને (૩) અનર્થદંડવિરમણ વ્રત. અણુવ્રતોની ભાવનાઓની દૃઢતા માટે જે વિશેષ ગુણોની આવશ્યકતા હોય છે તેમને ગુણવ્રત કહેવામાં આવે છે.
૧. કુષ્ય એટલે સુવર્ણ અને ચાંદી સિવાયની અન્ય ધાતુ આદિનાં ઉપકરણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org