________________
૩૫૮
જૈન ધર્મ-દર્શન
નિષેધાત્મક પક્ષ છે તથા સત્યવચન બોલવું એ તે વ્રતનું વિધેયાત્મક રૂપ છે. તેનાથી વ્યક્તિને સત્યનિષ્ઠ બનવાની શિક્ષા મળે છે. તેના જીવનમાં સચ્ચાઈ અને ઈમાનદારીનો વિકાસ થાય છે. અહિંસાની આરાધના માટે સત્યની આરાધના અનિવાર્ય છે. જૂઠી વ્યક્તિ ખરા અર્થમાં અહિંસક હોઈ શકે જ નહિ. સાચો અહિંસક મનુષ્ય ક્યારેય અસત્ય આચરણ કરતો નથી, કરી શકે જ નહિ. સત્ય અને અહિંસા બન્ને વચ્ચે એટલો બધો ઘનિષ્ઠ સંબંધ છે કે એકના અભાવમાં બીજાની આરાધના અશક્ય છે. એ બન્ને પરસ્પર પૂરક છે તથા અન્યોન્યાશ્રિત છે.
ગૃહસ્થ માટે સામાન્ય રીતે મૃષાવાદનો સર્વથા ત્યાગ અર્થાત્ સૂક્ષ્મ અસત્યનો પરિત્યાગ શક્ય નથી. હા, તે સ્થૂળ મૃષાવાદનો ત્યાગ અવશ્ય કરી શકે છે. તેથી શ્રાવક માટે સ્થૂળ પ્રાણાતિપાતવિરમણની જેમ સ્થૂળ મૃષાવાદવિરમણનું પણ વિધાન કરવામાં આવેલ છે. સ્થૂળ અસત્યનો ત્યાગ પણ સામાન્ય રીતે સ્થૂળ હિંસાના ત્યાગની જેમ જ બે કરણ અને ત્રણ યોગપૂર્વક હોય છે. સ્થૂલ અસત્ય શેને સમજવું જોઈએ ? જે જૂઠ યા અસત્યના કારણે સમાજમાં પ્રતિષ્ઠા ન રહે, સાથીઓ અપ્રમાણિકતા સમજે, લોકોનો વિશ્વાસ ઊઠી જાય, રાજદંડ ભોગવવો પડે તેને સ્થૂલ અસત્ય સમજવું જોઈએ.
આ જાતના અસત્યથી મનુષ્યનું ચતુર્મુખી પતન થાય છે. અનેક કારણોથી મનુષ્ય સ્થૂલ અસત્ય બોલે છે. દાખલા તરીકે, પોતાનાં પુત્રપુત્રીઓનાં વિવાહ નિમિત્તે સામા પક્ષ આગળ જૂઠી પ્રશંસા કરવી કે બીજા પાસે કરાવવી, પશુપક્ષીઓના ક્રયવિક્રય નિમિત્તે મિથ્યા પ્રશંસાનો આશરો લેવો, ભૂમિ અંગે જૂઠ બોલવું કે બીજા પાસે બોલાવવું, અન્ય વસ્તુઓ અંગે અસત્ય બોલવું, નોકરી આદિ માટે અસત્યનો સહારો લેવો, કોઈની થાપણ આદિ ઓળવી વિશ્વાસઘાત કરવો, જૂઠી સાક્ષી દેવી કે બીજા પાસે દેવરાવવી, લાંચ આપવી કે બીજા પાસે અપાવરાવવી, સાચાને જૂઠું કે જૂઠાને સાચું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો, વગેરે. શ્રાવક આ જાતનાં અસત્યોને બોલવાનો અને બોલાવવાનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે.
સાવધાનીપૂર્વક સ્થૂળ મૃષાવાદવિરમણ વ્રતનું પાલન કરતાં પણ તે અંગેના જે અતિચારોની (દોષોની) સંભાવના રહે છે તે મુખ્યપણે પાંચ પ્રકારના છે (૧) સહસાઅભ્યાખ્યાન, (૨) રહસ્યઅભ્યાખ્યાન, (૩) સ્વદારમન્ત્રભેદ યા સ્વપતિમન્ત્રભેદ, (૪) મૃષાઉપદેશ, અને (૫) કૂટલેખકરણ. સમજ્યા-વિચાર્યાવિના, જોયાજાણ્યા વિના કોઈના વિશે કંઈ પણ ધારી લેવું યા નિર્ણય દઈ દેવો, કોઈ પણ ખોટું કલંક લગાવવું, કોઈના વિશે લોકોમાં ખોટી ધારણા પેદા કરવી, સજ્જનને દુર્જન, ગુણીને અવગુણી, જ્ઞાનીને અજ્ઞાની કહેવો, વગેરે સહસાઅભ્યાખ્યાન અતિચારમાં સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
—
www.jainelibrary.org