________________
આચારશાસ્ત્ર
૩૪૭
આદિની બાધા આવે તો પણ પૂર્વસંકલ્પિત ત્યાગ નિશ્ચિત સમયે કરવો અને તેને દઢતાપૂર્વક પૂરો કરવો એ નિયત્રિત પ્રત્યાખ્યાન છે. ત્યાગ કરતી વખતે આગાર અર્થાત્ અપવાદવિશેષની છૂટ રાખવી એ સાગાર પ્રત્યાખ્યાન છે. આગાર રાખ્યા વિના ત્યાગ કરવો અનાગાર પ્રત્યાખ્યાન છે. ભોય પદાર્થ આદિની સંખ્યા અથવા માત્રાની મર્યાદા નિશ્ચિત કરી તે મર્યાદા બહારના બધા ભોજય પદાર્થોનો ત્યાગ કરવો એ કૃતપરિમાણ પ્રત્યાખ્યાન છે. અશન વગેરે ચતુર્વિધ અર્થાત્ સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો એ નિરવિશેષ પ્રત્યાખ્યાન છે. એમાં પાણીનો ત્યાગ પણ સમાવિષ્ટ છે. કોઈ પણ પ્રકારના સંકેત સાથે કરવામાં આવતો ત્યાગ સાંકેતિક કહેવાય છે, જેમ કે મુઠ્ઠી વાળીને, ગાંઠ બાંધીને અથવા અન્ય પ્રકારે આ પ્રત્યાખ્યાન કરવું કે જ્યાં સુધી મારી આ મુઠ્ઠી વાળેલી રહે કે ગાંઠ બાંધેલી રહે અથવા અમુક રીતે અમુક વસ્તુ પડેલી રહે ત્યાં સુધી હું ચતુર્વિધ આહાર, ત્રિવિધ આહારનો ત્યાગ કરું છું. કાલવિશેષની મર્યાદા અર્થાત સમયની નિશ્ચિત અવધિ સાથે કરવામાં આવતો ત્યાગ કાલિક પ્રત્યાખ્યાન કહેવાય છે.
ઉત્તરાધ્યયનસૂત્રના સમ્યકત્વપરાક્રમ નામના ઓગણત્રીસમા અધ્યયનમાં ષડાવશ્યકનું સંક્ષિપ્ત ફળ આ પ્રમાણે દર્શાવ્યું છે:
સામાયિક દ્વારા સાવદ્ય યોગથી (પાપકર્મથી) નિવૃત્તિ થાય છે. ચતુર્વિશતિસ્તવથી દર્શનવિશુદ્ધિ (શ્રદ્ધાશુદ્ધિ) થાય છે. વન્દનથી નીચ ગોત્રકર્મનો ક્ષય થાય છે, ઉચ્ચ ગોત્રકર્મનો બન્ધ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, અપ્રતિહત આજ્ઞાફલ મળે છે અને દાક્ષિણ્યભાવની (કુશલતાની) ઉપલબ્ધિ થાય છે. પ્રતિક્રમણથી વ્રતોનાં દોષરૂપ છિદ્રોનો નિરોધ થાય છે. પરિણામે આસ્રવ (કર્માગમનદ્વાર) બંધ થઈ જાય છે તથા શુદ્ધ ચારિત્રનું પાલન થાય છે. કાયોત્સર્ગથી પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ થાય છે – અતિચારોની શુદ્ધિ થાય છે જેથી આત્મા પ્રશસ્ત ધર્મધ્યાનમાં રમણ કરતો પરમસુખને અનુભવે છે. પ્રત્યાખ્યાનથી આગ્નવદ્વાર બંધ થઈ જાય છે તથા ઇચ્છાનો નિરોધ થાય છે. ઇચ્છાનો. નિરોધ થવાના કારણે સાધક તૃષ્ણામુક્ત અર્થાત્ નિઃસ્પૃહ બની જાય છે અને પરિણામે શાન્તચિત્ત બની વિચરે છે. શ્રમણોના વિભિન્ન પ્રકારો
મૂલાચારના સમયસાર નામના દસમા પ્રકરણમાં મુનિ માટે ચાર પ્રકારનો લિંગકલ્પ (આચારચિહ્ન) દર્શાવવામાં આવ્યો છે – (૧) અચલકત્વ, (૨) લોંચ, (૩) વ્યસૃષ્ટશરીરતા અને (૪) પ્રતિલેખન. અચેલકત્વનો અર્થ છે વસ્ત્રાદિ સર્વ પરિગ્રહનો ત્યાગ. લોંચનો અર્થ છે પોતાના હાથ વડે કે બીજાના હાથ વડે પોતાના મસ્તકાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org