________________
૩૩૬
જૈન ધર્મ-દર્શન
નરક અથવા દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. આનુપૂર્વી નામકર્મ તેને ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. સ્થાનાન્તરણના સમયે (અર્થાત્ અન્તરાલગતિમાં) જીવની સાથે બે જાતનાં સૂક્ષ્મ શરીરો હોય છે -તૈજસ અને કાર્યણ. ઔદારિક આદિ સ્થૂળ શરીરનું નિર્માણ પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચ્યા પછી પ્રારંભાય છે. આમ જૈન કર્મશાસ્ત્રમાં પુનર્જન્મની સહજ વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્મબન્ધનું કારણ કષાયજન્ય અર્થાત્ રાગદ્વેષજન્ય પ્રવૃત્તિ છે. આનાથી ઊલટી પ્રવૃત્તિ અર્થાત્ રાગદ્વેષરહિત પ્રવૃત્તિ કર્મમુક્તિનું કારણ બને છે. કર્મમુક્તિ માટે બે જાતની ક્રિયાઓ આવશ્યક છે. એક તો નવીન કર્મોનો નિરોધ કરનારી અને બીજી પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરનારી. પ્રથમ પ્રકારની ક્રિયાનું નામ સંવર છે અને બીજા પ્રકારની ક્રિયાનું નામ નિર્જરા છે. આ બન્ને ક્રિયાઓ ક્રમશઃ આસ્રવ અને બન્ધથી વિપરીત છે. આ સંવર અને નિર્જરા બન્નેની પૂર્ણતાથી આત્માની જે સ્થિતિ થાય છે અર્થાત્ આત્મા જે અવસ્થા પ્રાપ્ત કરે છે તેને મોક્ષ કહે છે. આ જ કર્મમુક્તિ છે.
નવાં કર્મોના ઉપાર્જનનો નિરોધ અર્થાત્ સંવર નીચે જણાવેલાં કારણોથી થાય છે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપસ્યા. સમ્યક્ યોગનિગ્રહ અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું સારું નિયત્રણ ગુપ્તિ છે. સમ્યક્ ચાલવું, બોલવું, ખાવું, લેવું-આપવું આદિ સમિતિ કહેવાય છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજુતા, શુદ્ધતા આદિ ધર્મમાં સમાવેશ પામે છે. અનુપ્રેક્ષામાં અનિત્યત્વ, અશરણત્વ, એકત્વ આદિ ભાવનાઓ આવે છે. ક્ષુધા, પિપાસા, ઠંડી, ગરમી આદિ કષ્ટોને સહન કરવાં એ પરીષહજય છે. સામાયિક આદિ પાંચ ભેદોવાળા ચારિત્રના પાંચ પ્રકારો છે. તપ બાહ્ય પણ હોય છે અને આભ્યન્તર પણ. અનશન આદિ બાહ્ય તપ છે, પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપ કહેવાય છે. તપથી સંવર પણ થાય છે અને સાથે સાથે નિર્જરા પણ થાય છે. સંવર અને નિર્જરાનું પર્યવસાન મોક્ષમાં - કર્મમુક્તિમાં થાય છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org