________________
કર્મસિદ્ધાન્ત
૩૩૫
છે તેનાથી થનારો કર્મબન્ધ દૃઢ હોય છે. કષાયરહિત પ્રવૃત્તિથી થનારો કર્મબન્ધ નિર્બળ યા નામનો જ હોય છે, આ તો નામ માત્રનો જ બન્ધ છે, તેનાથી સંસાર વધતો નથી.
યોગની અર્થાત્ પ્રવૃત્તિની તરતમતા અનુસાર કર્મ૫૨માણુઓની માત્રામાં તારતમ્ય થાય છે. બદ્ધ પરમાણુઓની રાશિને પ્રદેશબન્ધ કહે છે. આ પરમાણુઓની વિભિન્ન સ્વભાવરૂપ પરિણતિને અર્થાત્ વિભિન્ન કાર્યરૂપ ક્ષમતાને પ્રકૃતિબન્ધ કહે છે. કર્મફળની ભુક્તિની અવધિને અર્થાત્ કર્મ ભોગવવાના કાળને સ્થિતિબન્ધ કહે છે તથા કર્મફળની તીવ્રતામન્દતાને અનુભાગબન્ધ કહે છે. કર્મ બંધાયા પછી જ્યાં સુધી ફળ દેવાનું શરૂ નથી કરતું ત્યાં સુધીના કાળને અબાધાકાલ કહે છે. કર્મફળનો પ્રારંભ જ કર્મનો ઉદય છે. જેમ જેમ કર્મોનો ઉદય થતો જાય છે તેમ તેમ કર્મ આત્માથી અલગ થતા જાય છે. આ પ્રક્રિયાનું નામ નિર્જરા છે. ઉદયમાં આવેલું કર્મ પોતાનું ફળ દઈ આત્માથી અલગ થઈ જાય છે. જ્યારે આત્માથી સઘળાં કર્મો અલગ થઈ જાય છે ત્યારે આત્માની જે અવસ્થા થાય છે તેને મોક્ષ કહે છે.
જૈન કર્મશાસ્ત્રમાં પ્રકૃતિબન્ધના આઠ પ્રકારો મનાયા છે, એટલે કે કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ ગણાવવામાં આવી છે. એ પ્રકૃતિઓ જીવને ભિન્ન ભિન્ન પ્રકારનાં અનુકૂળ અને પ્રતિકૂળ ફળો આપે છે. તે આઠ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. આ આઠમાંથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય આ ચાર પ્રકૃતિઓ ઘાતી કહેવાય છે કેમ કે તેમનાથી આત્માના ચાર મૂળ ગુણો જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો ઘાત થાય છે. બાકીની ચાર પ્રકૃતિઓ અઘાતી છે કેમ કે તે કોઈ આત્મગુણનો ઘાત કરતી નથી. આ ચાર અઘાતી પ્રકૃતિઓ શરી૨ સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાનાવરણીય પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને અર્થાત્ વિશેષ ઉપયોગરૂપ ગુણને આવૃત કરે છે. દર્શનાવરણીય પ્રકૃતિ આત્માના દર્શનગુણને અર્થાત્ સામાન્ય ઉપયોગરૂપ ગુણને આવૃત કરે છે. મોહનીય પ્રકૃતિ આત્માના સ્વાભાવિક સુખમાં બાધા પહોંચાડે છે. અન્તરાય પ્રકૃતિથી વીર્ય અર્થાત્ આત્મશક્તિની હાનિ થાય છે. વેદનીય કર્મપ્રકૃતિ શરીરનાં અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદનો અર્થાત્ સુખ-દુઃખના અનુભવોનું કારણ છે. આયુ કર્મપ્રકૃતિના કારણે નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ભવોના કાળનું (આયુષ્યનું) નિર્ધારણ થાય છે. નામ કર્મપ્રકૃતિના કારણે નરક આદિ ગતિ, એકેન્દ્રિય આદિ જાતિ, ઔદારિક આદિ શરીર આદિની પ્રાપ્તિ થાય છે. ગોત્ર કર્મપ્રકૃતિ જીવોનાં આનુવંશિક ઉચ્ચત્વ અને નીચત્વનું કારણ છે. કર્મનું અસ્તિત્વ માનતાં પુનર્જન્મનું પણ અસ્તિત્વ માનવું પડે છે. પુનર્જન્મ અથવા પરલોક કર્મનું ફળ છે. મૃત્યુ પછી જીવ પોતાના ગતિનામકર્મ અનુસાર પુનઃ મનુષ્ય, તિર્યંચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org