________________
૩૩૪
જૈન ધર્મ-દર્શન
ગુણસ્થાનના અન્તમાં લોભના અન્તિમ અવશેષનો નાશ કરી મોહથી સર્વથા મુક્તિ પામે છે. આ અવસ્થાનું નામ ક્ષીણકષાય અથવા ક્ષીણમોહ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર સાધકનું કદી પતન થતું નથી. અગિયારમાં ગુણસ્થાનથી ઊલટા સ્વરૂપવાળા આ બારમા ગુણસ્થાનની આ જ વિશેષતા છે.
(૧૩) સદેહ મુક્તિ — મોહનો ક્ષય થતાં જ્ઞાનાદિનિરોધક અન્ય કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. પરિણામે આત્મામાં વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. આત્માની આ અવસ્થાનું નામ સયોગિકેવલી ગુણસ્થાન છે. કેવલીનો અર્થ છે કેવલજ્ઞાન અર્થાત્ સર્વથા વિશુદ્ધજ્ઞાનથી યુક્ત. સયોગીનો અર્થ છે યોગ અર્થાત્ કાયિક આદિ પ્રવૃત્તિઓથી યુક્ત. જે વિશુદ્ધ જ્ઞાની હોવા છતાં પણ શારીરિક પ્રવૃત્તિઓથી મુક્ત નથી તે સયોગી કેવલી કહેવાય છે. આ તેરમું ગુણસ્થાન છે.
(૧૪) વિદેહ મુક્તિ —તેરમા ગુણસ્થાનમાં રહેલો સયોગી કેવલી જ્યારે પોતાના દેહથી મુક્તિ મેળવવા માટે વિશુદ્ધ ધ્યાનનો આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા અટકાવી દે છે ત્યારે તે આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. આત્માની આ અવસ્થાનું નામ અયોગિકેવલી ગુણસ્થાન છે. આ ચારિત્રવિકાસ અથવા આત્મવિકાસની ચરમ અવસ્થા છે. તેમાં આત્મા ઉત્કૃષ્ટતમ શુક્લધ્યાન દ્વારા સુમેરુ પર્વત જેવી નિષ્પ્રકમ્પ સ્થિતિને પ્રાપ્ત કરી છેવટે દેહત્યાગપૂર્વક સિદ્ધાવસ્થાને પામે છે. આનું નામ પરમાત્મપદ, સ્વરૂપસિદ્ધિ, મુક્તિ, નિર્વાણ અથવા મોક્ષ છે. આ આત્માની સર્વાંગીણ પૂર્ણતા, પૂર્ણ કૃતકૃત્યતા અને પરમ પુરુષાર્થસિદ્ધિ છે. તેમાં આત્માને અનન્ત અને અવ્યાબાધ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. બન્ધ અને મોક્ષ
જૈન કર્મવાદમાં કર્મોપાર્જનનાં બે કારણો માનવામાં આવ્યાં છે – યોગ અને કષાય. શરીર, વાણી અને મનના સામાન્ય વ્યાપારને જૈન પરિભાષામાં યોગ કહે છે. બીજા શબ્દોમાં, જૈન પરિભાષામાં જીવની સામાન્ય પ્રવૃત્તિનું નામ યોગ છે. કષાય મનનો વ્યાપારવિશેષ છે. તે ક્રોધ આદિ માનસિક આવેગરૂપ છે. આ લોક કર્મની યોગ્યતા ધરાવતા પરમાણુઓથી ભરેલો છે. જ્યારે જીવ પોતાનાં મન, વચન કે કાયા દ્વારા કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની આસપાસ રહેલા કર્મયોગ્ય પરમાણુઓમાં આકર્ષણ થાય છે અર્થાત્ આત્મા પોતાની ચારે તરફ રહેલા કર્મપરમાણુઓને કર્મરૂપે ગ્રહણ કરે છે. આ પ્રક્રિયાનું નામ આસ્રવ છે. કષાયના કારણે કર્મપરમાણુઓનું આત્મા સાથે મળી જવું અર્થાત્ આત્મા સાથે બંધાઈ જવું બન્ધ કહેવાય છે. આમ તો પ્રત્યેક પ્રકારનો યોગ અર્થાત્ પ્રવૃત્તિ કર્મબન્ધનું કારણ છે પરંતુ જે યોગ ક્રોધ આદિ કષાયથી યુક્ત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org