________________
કર્મસિદ્ધાન્ત
૨૯૯
ચોવીસ ગુણો માનવામાં આવ્યા છે તેમનામાં અદૃષ્ટ નામનો ગુણ પણ સમાવેશ પામે છે. આ ગુણ સંસ્કારથી ભિન્ન છે તથા ધર્મ અને અધર્મ એ બે તેના ભેદ છે. આ પ્રમાણે ન્યાય દર્શનમાં જે ધર્મ-અધર્મનો સમાવેશ સંસ્કારમાં કરવામાં આવ્યો છે તે જ વૈશેષિક દર્શનમાં અદષ્ટમાં સમાવિષ્ટ છે. રાગ આદિ દોષોથી સંસ્કાર, સંસ્કારથી જન્મ, જન્મથી રાગ આદિ દોષ તથા આ દોષોથી પુનઃ સંસ્કારની ઉત્પત્તિ થાય છે. આમ જીવોની આ સંસારપરંપરા બીજાંકુરવત્ અનાદિ માનવામાં આવી છે.
સાંખ્યયોગ દર્શન અનુસાર અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચ ક્લેશોના કારણે ક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થાય છે. આ ક્લિષ્ટ વૃત્તિના કારણે ધર્માધર્મરૂપ સંસ્કાર ઉત્પન્ન થાય છે. સંસ્કારને આશય, વાસના, કર્મ અને અપૂર્વ પણ કહેવામાં આવે છે. આ દર્શનમાં પણ ક્લેશ અને સંસ્કારની પરંપરા બીજાંકુરવત અનાદિ માનવામાં આવી છે.
મીમાંસા દર્શનમાં યજ્ઞ આદિ કર્મથી જન્ય અપૂર્વ નામના પદાર્થનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે. મનુષ્ય દ્વારા કરવામાં આવતાં યજ્ઞ આદિ અનુષ્ઠાનો અપૂર્વ નામના પદાર્થને ઉત્પન્ન કરે છે. આ અપૂર્વ તે અનુષ્ઠાનોનું – યજ્ઞ આદિ કર્મોનું – ફળ આપે છે. વેદવિહિત કર્મથી ઉત્પન્ન થનારી યોગ્યતા અથવા શક્તિનું જ નામ અપૂર્વ છે, અન્ય કર્મોથી જન્ય સામર્થ્યનું નામ અપૂર્વ નથી.
વેદાન્ત દર્શનમાં અનાદિ અવિદ્યા અથવા માયાને વિશ્વવૈચિત્ર્યનું કારણ માનવામાં આવેલ છે. ઈશ્વર, જે સ્વયં માયાજન્ય છે તે, કર્મ અનુસાર જીવને ફળ આપે છે, તેથી ફલપ્રાપ્તિ કર્મથી સીધી થતી નથી પરંતુ ઈશ્વર દ્વારા થાય છે.
બૌદ્ધ દર્શનમાં મનોજન્ય સંસ્કાર અર્થાત્ કર્મને વાસના અને વચન તથા કાયથી ન્ય સંસ્કારને (કર્મને) અવિજ્ઞપ્તિ કહેવામાં આવેલ છે. લોભ, દ્વેષ અને મોહ કર્મોની ઉત્પત્તિનાં કારણ છે. લોભ, દ્વેષ અને મોહયુક્ત બનીને જીવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ કરે છે અને વળી પાછો લોભ, દ્વેષ અને મોહને ઉત્પન્ન કરે છે. આ રીતે સંસારચક્ર ફર્યા જ કરે છે. આ ચક્ર અનાદિ છે.'
૧. પ્રશસ્તપાદભાષ્ય (ચૌખમ્બા સંસ્કૃત સિરિઝ, બનારસ, ૧૯૩૦), પૃ. ૪૭. ૨. યોગદર્શનભાષ્ય, ૧.૫. ઈત્યાદિ. ૩. શાબરભાષ્ય, ૨.૧.૫; તન્નવાર્તિક, ૨.૧.૫. ઇત્યાદિ. ૪. શાંકરભાષ્ય, ૨.૧.૧૪. ૫. એજન, ૩.૨.૩૮-૪૧ ૬. અંગુત્તરનિકાય, ૩.૩૩.૧; સંયુત્તનિકાય, ૧૫.૫.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org