________________
૨૦૬
જૈન ધર્મ-દર્શન છે.ગણધરોના શિષ્યો માટે અર્થરૂપ આગમ પરંપરાગમ છે કેમ કે તેમને અર્થનો સાક્ષાત્ ઉપદેશ નથી આપવામાં આવ્યો પરંતુ તે તેમને પરંપરાથી પ્રાપ્ત થાય છે. અર્થાગમ તીર્થંકર પાસેથી ગણધરો પાસે આવે છે અને ગણધરો પાસેથી તેમના શિષ્યો પાસે આવે છે. સૂત્રરૂપ આગમ ગણધરોના શિષ્યો માટે અનન્તરાગમ છે કેમ કે સૂત્રોનો ઉપદેશ તેમને સાક્ષાત ગણધરો પાસેથી મળે છે. ગણધરોના શિષ્યો પછી થનારા આચાર્યો માટે અથગમ અને સૂત્રાગમ બન્ને પરંપરાગમ છે.
આ વિવેચનના આધારે સહજપણે જ એ નિર્ણય પર પહોંચી શકાય છે કે આગમોમાં પ્રમાણશાસ્ત્ર અંગેની સામગ્રી પ્રચુર માત્રામાં વીખરાયેલી પડી છે. જેમ જ્ઞાનનું વિવેચન કરવામાં આગમો પાછળ પડી ગયા નથી તેમ પ્રમાણની ચર્ચા કરવામાં પણ પાછળ રહ્યા નથી. જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાયના વિષયમાં આગમોમાં સારી એવી સામગ્રી છે. એ સાચું કે ઉત્તરાકાલીન દાર્શનિક જૈનાચાર્યોએ એની જે રીતે તર્કના આધારે વિચારણા કરી, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના રૂપમાં જે યુક્તિઓનો આધાર લીધો અને જૈન પ્રમાણશાસ્ત્રના પાયાને મજબૂત બનાવવાનો જે સફળ પ્રયત્ન કર્યો તેવું આગમોમાં નથી મળતું પરંતુ મૂળ રૂપમાં આ વિષય આગમોમાં અવશ્ય છે. તર્કયુગમાં જ્ઞાન અને પ્રમાણ - ઉમાસ્વાતિએ જ્ઞાન અને પ્રમાણમાં કોઈ જાતનો ભેદ રાખ્યો નથી. તેમણે પહેલાં પાંચ જ્ઞાનોનાં નામ ગણાવ્યાં અને પછી કહી દીધું કે આ પાંચ જ્ઞાનો પ્રમાણ છે. પ્રમાણનું અલગ લક્ષણ દર્શાવી પછી જ્ઞાનમાં તે લક્ષણને ઘટાવી જ્ઞાન અને પ્રમાણનો અભેદ સિદ્ધ કરવાના બદલે જ્ઞાનને જ પ્રમાણ કહી દીધું. પ્રામાણ્ય-અપ્રામાણ્યનો અલગ વિચાર ન કરીને જ્ઞાનના સ્વરૂપ સાથે જ તેમનું સ્વરૂપ સમજી લેવાનો સંકેત તેમણે કરી દીધો છે. - ઉત્તરકાલીન તાર્કિકોએ આ પદ્ધતિમાં પરિવર્તન કર્યું. તેમણે પ્રમાણની સ્વતંત્ર વ્યાખ્યા કરવાનો પ્રારંભ કર્યો. તેમનું લક્ષ્ય પ્રામાણ્ય-અપ્રામાણ્ય તરફ અધિક રહ્યું. માત્ર જ્ઞાનોનાં નામ ગણાવી અને તેમને પ્રમાણનું નામ આપીને જ તેઓ સંતુષ્ટ ન રહ્યા પરંતુ પ્રમાણનું અન્ય દાર્શનિકોની જેમ તેમણે સ્વતંત્ર વિવેચન કર્યું. તેમની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ ઉપર તેમણે વિશેષ ભાર આપ્યો. જ્ઞાનને પ્રમાણ માનવા છતાં પણ કર્યું જ્ઞાન પ્રમાણ હોઈ શકે છે એની વિશદ ચર્ચા તેમણે કરી. આ ચર્ચા પછી તેઓ એ નિર્ણય પર પહોંચ્યા કે જ્ઞાન અને પ્રમાણ કથંચિત અભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org