________________
૧૭૨
જૈન ધર્મ-દર્શન
પણ પહેલાં થાય છે. આ એક પ્રતિભાસ માત્ર છે જે સત્તા માત્રનું ગ્રહણ કરે છે. ત્યાર પછી અર્થ અને ઇન્દ્રિયનો સંયોગ થાય છે જેને વ્યંજનાવગ્રહ કહે છે. ઇન્દ્રિય અને અર્થના સંયોગ પહેલાં દર્શન કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન તો એ જ હોઈ શકે કે ઇન્દ્રિય અને અર્થનો સંયોગ અવશ્ય થાય છે પરંતુ આ સંયોગ વ્યંજનાવગ્રહથી પણ પહેલાં થાય છે. વ્યંજનાવગ્રહરૂપ જે સંબંધ છે તે જ્ઞાનની કોટિમાં આવે છે અને તેની પણ પહેલાં જે એક સત્તા સામાન્યનો સંબંધ છે · સત્તા સામાન્યનું ભાન છે તે દર્શન છે. આના સિવાય બીજું શું સમાધાન હોઈ શકે, એ અમે જાણતા નથી.
-
અર્થાવગ્રહ પહેલાંનો જ્ઞાનવ્યાપાર, જે ઇન્દ્રિયનો વિષય સાથે સંયોગ થતાં ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ પુષ્ટ થતો જાય છે તે, વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ જ્ઞાન અવ્યક્તજ્ઞાન છે. આ જ્ઞાન ક્રમશઃ કેવી રીતે પુષ્ટ થાય છે અને અર્થાવગ્રહની કોટિમાં આવે છે એ સમજવા માટે એક ઉદાહરણ આપવું ઠીક રહેશે. કુંભારે પોતાના વાડામાંથી એક તાજું શકોરૂં કાઢ્યું, કાઢીને તેમાં એક એક ટીપું પાણી નાખતો ગયો. પહેલું ટીપું નાખતાં જ શોષાઈ ગયું. બીજું ટીપું પણ શોષાઈ ગયું. ત્રીજું, ચોથું અને
આ રીતે અનેક ટીપાં શોષાતાં ગયાં. છેવટે એક સમય એવો આવે છે જ્યારે તે શકોરું પાણીને શોષવા અસમર્થ જણાવા લાગે છે. ધીરે ધીરે તે પાણીથી ભરાઈ જાય છે. પ્રથમ ટીપાથી શરૂ કરી અંતિમ ટીપા સુધીનું બધું જ પાણી શકોરામાં હોય છે, પરંતુ પહેલાં કેટલાંક ટીપાંની એટલી ઓછી શક્તિ હોય છે કે તેઓ સ્પષ્ટપણે દેખાતાં નથી. જેમ જેમ પાણીની શક્તિ વધતી જાય છે તેમ તેમ તેની અભિવ્યક્તિ પણ સ્પષ્ટ થતી જાય છે. તેવી જ રીતે જ્યારે ઊંઘતી વ્યક્તિને પોકારવામાં આવે છે ત્યારે પહેલાં તો કેટલાક શબ્દો કાનમાં ચુપચાપ સમાઈ જાય છે. તેમની અભિવ્યક્તિ થઈ શકતી નથી. બેચાર વાર પોકાર્યા પછી તેના કાનમાં પૂરતા શબ્દો ભેગા થાય છે અને ત્યારે જ તેને ભાન થાય છે કે તેને કોઈ બોલાવી રહ્યું છે. આ જ્ઞાન પહેલા શબ્દ વખતે એટલું અસ્પષ્ટ અને અવ્યકત હોય છે કે તેને એ વાતની ખબર પડતી નથી કે તેને કોઈ બોલાવી રહ્યું છે. જલબિન્દુઓની જેમ જ્યારે શબ્દોનો પૂરતી માત્રામાં સંગ્રહ થઈ જાય છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે તેને કોઈ બોલાવી રહ્યું છે. પ્રથમ કોટિનું વ્યક્ત જ્ઞાન અર્થાવગ્રહ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ વચ્ચે અવ્યક્તતા અને વ્યક્તતાનો ભેદ છે. સામાન્યાત્મક જ્ઞાન અવગ્રહ છે. આ જ્ઞાનના વિકાસક્રમના બે રૂપ છે. પ્રથમ રૂપ અવ્યક્ત જ્ઞાનાત્મક છે. આ જ વ્યંજનાવગ્રહ છે. દ્વિતીય રૂપ વ્યક્ત જ્ઞાનાત્મક છે. આ જ અર્થાવગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org