________________
તત્ત્વવિચાર
૧૪૩ એકબીજાના આધારે જ ટકી રહેલા દેખાય છે. પૃથ્વી આ બધાનો દષ્ટ આધાર છે. જૈન માન્યતા અનુસાર પૃથ્વીનો આધાર જલ છે, જલનો આધાર વાયુ છે તથા વાયુનો આધાર આકાશ છે. આકાશનો કોઈ અન્ય આધાર નથી. તે સ્વાધૃત છે.
ન્યાય-વૈશેષિક દર્શનમાં આકાશને સૂક્ષ્મ ભૌતિક તત્ત્વ માનવામાં આવેલ છે જેનું કાર્ય શબ્દ છે. શબ્દ ગુણ ઉપરથી આકાશ દ્રવ્યના અસ્તિત્વનું અનુમાન કરવામાં આવે છે. આકાશ સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં પણ પૃથ્વી, જલ, તેજ અને વાયુની જેમ એક ભૌતિક તત્ત્વ જ છે. તેનું કાર્ય અવકાશદાન (સ્થાન દેવું) નથી પરંતુ શબ્દ છે. જૈન દર્શનમાં શબ્દને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય અર્થાત્ પૌગલિક માનવામાં આવેલ છે, તેથી આકાશને શબ્દને ઉત્પન્ન કરનારું દ્રવ્ય ન માનતાં અવકાશ દેનાર દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવેલ છે. બૌદ્ધ દર્શનમાં આકાશને શૂન્ય અર્થાત અવસ્તુ માનવામાં આવેલ છે. તે આવરણાભાવ અર્થાત્ વસ્તુની આવૃતિના અભાવરૂપ છે. જયાં કોઈ પદાર્થ નથી હોતો અર્થાત્ જે સ્થાન પદાર્થના આવરણથી રહિત હોય છે તેને આપણે આકાશ નામ આપીએ છીએ. વસ્તુતઃ તે કોઈ ભાવાત્મક તત્ત્વ, વસ્તુ યા પદાર્થ નથી. તેને તો અભાવ, અવસ્તુ અથવા શૂન્યરૂપ જ સમજવું જોઈએ.
જૈન દર્શનમાં ગતિ માટે ધર્મ તથા સ્થિતિ માટે અધર્મ દ્રવ્ય માનવામાં આવ્યાં છે. જીવ આદિ બધાં દ્રવ્યોની સત્તા અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કોઈ પણ પદાર્થ કાં તો ગતિશીલ હોય છે કાં તો સ્થિતિશીલ. આ બન્ને અવસ્થાઓનાં માધ્યમોરૂપે ધર્મ અને અધર્મ દ્રવ્યો છે. તો પછી આકાશની શી આવશ્યકતા છે? જેમ આકાશ સ્વપ્રતિષ્ઠિત છે, શું તેવી જ રીતે જીવ આદિ દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત નથી હોઈ શકતા ? કોઈ શાશ્વત દ્રવ્યના અસ્તિત્વ માટે કોઈ અન્ય દ્રવ્યની કલ્પના શા માટે કરવી ? હા, કોઈ પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે અર્થાત સ્થાનાન્તરણ માટે રિક્ત સ્થાનના રૂપમાં અભાવાત્મક આકાશ અવશ્ય માની શકાય. તેને ગણિતીય આકાશ કહે છે. તેમાં સૂક્ષ્મ તત્ત્વો અથવા પદાર્થોની વિદ્યમાનતા હોવા છતાં પણ પૂલ પદાર્થોનો યથાવસર પ્રવેશ તથા નિષ્ક્રમણ થઈ શકે છે. જો કહેવામાં આવે કે આકાશના આધાર વિના કોઈ પદાર્થની સત્તા જ સંભવતી નથી તો પ્રશ્ન થશે કે આકાશને સામાન્ય આધાર ન માનીએ તો શું બધાં તત્ત્વોનો અભાવ થઈ જશે? શું કોઈ પણ દ્રવ્ય લોકમાં નહિ રહે એવું ન બની શકે. જે સત્ છે તે અસતુ ન બની શકે. બધાં દ્રવ્યો પોતાના
9. Negation of Occupation., 2. Mathematical Space.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org