________________
તત્ત્વવિચાર
૧૪૧
આકાશનું લક્ષણ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે અવકાશ દેવો આકાશનો ધર્મ છે. લોકાકાશ પાંચ દ્રવ્યોને અવકાશ દે છે. તેથી આપણે તેને આકાશ કહી શકીએ. અલોકાકાશ તો કોઈને આશ્રય – અવકાશ દેતું નથી, તો એવી સ્થિતિમાં તેને આકાશ કેમ કહેવાય ? આ શંકાનું સમાધાન નીચે મુજબ થઈ શકે છે. આકાશનો ધર્મ અવકાશદાન છે, પરંતુ આકાશ અવકાશ તેને જ દઈ શકે છે જે તેની અંદર રહેતા હોય. અલોકાકાશમાં તો કોઈ પણ દ્રવ્ય રહેતું નથી, તો પછી તે અવકાશ કોને દે ? હા, જો ત્યાં કોઈ દ્રવ્ય હોત અને તેમ છતાં આકાશ અવકાશ ન આપતું હોત તો આપણે કહી શકીએ કે અલોકાકાશને ખરેખર આકાશ ન કહેવું જોઈએ પરંતુ જ્યારે ત્યાં કોઈ દ્રવ્ય જ નથી પહોંચતું તો અલોકાકાશનો શો અપરાધ ? અલોકાકાશ તો અવકાશ દેવા માટે સર્વદા તત્પર છે. પરંતુ કોઈ પણ દ્રવ્ય ત્યાં જાય ત્યારે ને ? તેથી અલોકાકાશને આકાશ માનવામાં કોઈ બાધા નથી. આકાશસ્વભાવ અલોકાકાશમાં પણ છે જ. પરંતુ તેનો લાભ લેનાર કોઈ પણ દ્રવ્ય ત્યાં નથી એટલા માટે તો તેને અલોકાકાશ કહેવામાં આવે છે.
લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે અને અલોકાકાશના અનન્ત પ્રદેશો છે. સમસ્ત આકાશના અનન્ત પ્રદેશો છે, એ વાત અમે કહી ગયા છીએ. અનન્ત પ્રદેશોમાંથી અસંખ્યાત પ્રદેશો બાદ કરતાં જે પ્રદેશો બાકી રહે છે તે પણ અનન્ત જ હોય છે કેમ કે અનન્ત સંખ્યા બહુ જ મોટી છે. એટલું જ નહિ, અનન્તમાંથી અનન્ત બાદ કરીએ તો પણ બાકી અનન્ત જ રહે છે કેમ કે અનન્ત સંખ્યા પરીતાનન્ત, યુક્તાનન્ત અને અનન્તાનન્તના ભેદથી ત્રણ પ્રકારની છે.
ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે સર્વલોકવ્યાપી છે, તો પછી તેઓ પરસ્પરનો વ્યાઘાત કેમ નથી કરતા ? આનો ઉત્તર એ છે કે વ્યાઘાત હમેશાં મૂર્ત પદાર્થોમાં સંભવે છે, અમૂર્ત પદાર્થોમાં સંભવતો નથી. ધર્મ, અધર્મ અને આકાશ અમૂર્ત છે, તેથી તેઓ એક જ સ્થાને એક સાથે નિર્વિરોધ રહી શકે છે.
આકાશ અન્ય દ્રવ્યોને અવકાશ દે છે એ તો બરાબર, પરંતુ આકાશને ખુદને કોણ અવકાશ આપે છે? આના ઉત્તરમાં કહ્યું છે કે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેને રહેવા માટે કોઈ અન્ય દ્રવ્યની આવશ્યકતા નથી. જો આવું છે તો પછી બધાં દ્રવ્યોને સ્વપ્રતિષ્ઠિત શા માટે નથી મનાયાં? આનો ઉત્તર એ છે કે નિશ્ચય દૃષ્ટિએ તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત છે પરંતુ વ્યવહાર દૃષ્ટિએ અન્ય દ્રવ્યો આકાશાશ્રિત છે. આ દ્રવ્યોનો સંબંધ અનાદિ છે. અનાદિ સંબંધ હોવા છતાં પણ શરીર-હસ્ત આદિની જેમ આધારાધેયભાવ ઘટી શકે
૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૧૦.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org