________________
૧૪૦
જૈન ધર્મ-દર્શન કેટલાક આધુનિક વિદ્વાન અધર્મની તુલના યા સમાનતા ગુરુત્વાકર્ષણ અને ‘ફીલ્ડર સાથે કરે છે. મને લાગે છે કે અધર્મ આ બન્નેથી ભિન્ન એક સ્વતન્ત તત્ત્વ છે જેની આવશ્યકતા કેવળ જૈન દાર્શનિકોએ જ અનુભવી છે.
જો ધર્મની જેમ અધર્મને પણ સર્વવ્યાપક માનવામાં આવે છે તો પછી તે બન્ને એકબીજામાં ભળી જઈ એક જ બની નહિ જાય? તેમનો ભેદ ક્યાંથી રહે? આનો ઉત્તર નીચે મુજબ છે. એકથી વધુ પદાર્થો અથવા તત્ત્વો સર્વવ્યાપક હોવા છતાં પણ તેમનાં પોતપોતાનાં કાર્યોની દૃષ્ટિએ તેમનો એકબીજાથી ભેદ રહે છે, જેમ કે અનેક દીપકોના અથવા બત્તીઓના પ્રકાશો એકબીજામાં ભળી જવા છતાં પણ તેમનામાં ભિન્નતા રહે છે તથા અવસર આવ્યું તેઓ પોતપોતાનું કાર્ય કરે છે. પરસ્પર મિશ્રિત થવા છતાં પણ તેમનામાંથી કોઈનું અસ્તિત્વ સમાપ્ત થઈ જતું નથી. ધર્મ અને અધર્મ સમસ્ત લોકમાં વ્યાપ્ત હોવાથી તેમને એક સ્થાનથી બીજા સ્થાને જવાની કોઈ આવશ્યકતા નથી. તેઓ નિત્ય અવસ્થિત છે. આકાશ
જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને સ્થાન દે છે–અવગાહદે છે તે આકાશ છે. તે સર્વવ્યાપી છે, એક છે, અમૂર્ત છે અને અનન્ત પ્રદેશોવાળું છે. તેમાં બધાં દ્રવ્યો રહે છે. તે અરૂપી છે. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. જ્યાં પુણ્ય અને પાપનાં ફળ દેખાય છે તે લોક છે. લોકનું જે આકાશ છે તે લોકાકાશ છે. જેમ જલના આશ્રયસ્થાનને જળાશય કહે છે તેમ લોકના આશ્રયને લોકાકાશ કહે છે. અહીં એક પ્રશ્ન થાય કે આકાશ જયારે એક છે – અખંડ છે ત્યારે તેના બે વિભાગ કેવી રીતે થઈ શકે? લોકાકાશ અને અલોકાકાશનું જે વિભાજન છે તે અન્ય દ્રવ્યોની દષ્ટિએ યા અપેક્ષાએ છે, આકાશની દષ્ટિએ નથી જ્યાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલ રહે છે ત્યાં જ પુણ્ય અને પાપનાં ફળ દેખાય છે, તેથી તે જ લોકાકાશ છે. જે આકાશમાં આ દ્રવ્યો નથી અને પુણ્ય-પાપનાં ફળો નથી તે અલોકાકાશ છે. આમ તો સમસ્ત આકાશ એક છે, અખંડ છે, સર્વવ્યાપી છે. ભેદનો આધાર આકાશબાહ્ય અન્ય છે. આકાશની દષ્ટિએ લોકાકાશ અને અલોકાકાશમાં કોઈ ભેદ નથી. આકાશ સર્વત્ર એકરૂપ છે.
૧. Gravity. ૨. Field. ૩. માહ્યાવાદ: I તત્ત્વાર્થસૂત્ર, પ.૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org