________________
તત્ત્વવિચાર
૧૩૯
આવી હોવા છતાં પણ ગતિના માધ્યમરૂપે ધર્મ જેવા કોઈ વિશેષ તત્ત્વની આવશ્યકતા તેમને જણાઈ નથી. હા, આધુનિક ભૌતિક વિજ્ઞાન ‘ઈથર’ના રૂપમાં ગતિસહાયક એક એવું તત્ત્વ અવશ્ય માને છે જેનું કાર્ય ધર્મ દ્રવ્યના કાર્યને મળતું આવે છે. આ તત્ત્વ અત્યન્ત સૂક્ષ્મ અને પાતળા તરલ પદાર્થના રૂપમાં છે અને સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે.
અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયતા કરે છે. જે રીતે ધર્મ ગતિમાં સહાયક છે તે જ રીતે અધર્મસ્થિતિમાં સહાયક છે. ધર્મની જેમ અધર્મ પણ સમસ્તલોકવ્યાપી છે. જેમ વૃક્ષની છાયા મુસાફરને વિશ્રામ કરવામાં સહાયક બને છે તેમ અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહાયક બને છે.
ધર્મ દ્રવ્ય ગતિનું માધ્યમ યા સહાયક છે એ વાત તો ઉદાહરણ વગેરેથી સ્પષ્ટપણે સમજમાં આવી જાય છે પરંતુ અધર્મ દ્રવ્ય કેવી રીતે સ્થિતિનું માધ્યમ યા સહાયક છે એ સ્પષ્ટપણે સમજાતું નથી. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો અટકી જાય છે ત્યારે તેને આપણે સ્થિતિમાં આવેલો કે સ્થિત કહીએ છીએ. માછલી પાણીની સહાયતાથી તરી રહી હોય અને તરતા તરતા પાણીમાં અટકી જાય તો તે ગતિશીલ ન રહેતાં સ્થિતિશીલ બની જશે. આમાં તેને પાણીથી અતિરિક્ત કોઈ અન્ય પદાર્થની સહાયતા મળી એમ કેવી રીતે બતાવી શકાય કે કહી શકાય ? હા, જો તે ભૂમિ ઉપર સ્થિત રહેતી હોત તો ભૂમિ તેની સ્થિતિમાં સહાયક કારણ અવશ્ય મનાય. મુસાફર અને વૃક્ષનું ઉદાહરણ લો. જેમ પાણી વિના માછલીનું તરવું સંભવતું નથી શું તેવી જ રીતે વૃક્ષની કે અન્ય પ્રકારની છાયા વિના મુસાફ૨નું વિશ્રામ કરવું સંભવતું નથી ? આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા બીજું એક ઉદાહરણ પણ આપવામાં આવે છે. જેમ પૃથ્વી અશ્વ આદિ પ્રાણીઓની સ્થિતિમાં સહાયક થાય છે તેવી જ રીતે અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થાય છે. મૂળ પ્રશ્ન એ છે કે અધર્મ દ્રવ્ય કેવી રીતે અને કઈ જાતની સહાયતા સ્થિતિમાં કરે છે ? જેવી રીતે આપણે કહી શકીએ છીએ કે ધર્મ ન હોય તો ગતિ થઈ શકતી નથી અર્થાત્ કેવળ સ્થિતિ જ રહી જાય, શું તેવી રીતે જ આપણે કહી શકીએ કે અધર્મ ન હોય તો સ્થિતિ બની શકે નહિ અર્થાત્ કેવળ ગતિ જ રહી જાય ? જૈન દર્શન અનુસાર એવું જ છે. અધર્મ દ્રવ્ય વિના કોઈ જાતની સત્તુલિત સ્થિતિ અથવા સત્તુલન સંભવતું નથી. જે તત્ત્વ યા દ્રવ્ય પદાર્થોના સન્તુલનનું માધ્યમ છે અર્થાત્ જીવ અને પુદ્ગલની સત્તુલિત સ્થિતિમાં સહાયક થાય છે તે અધર્મ દ્રવ્ય છે.
ન
૧. Ether.
૨. ન્યાય-વૈશેષિક દર્શનમાં સ્વીકૃત આકાશને ‘ઈથર’ કહી શકાય. તેનો ગુણ યા કાર્ય શબ્દ છે.
૩. Equilibrium.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org