________________
૧૧૯
તત્ત્વવિચાર ઉત્પત્તિ તેમનાં પોતાનાં કારણોથી થાય છે. ઇન્દ્રિયો વર્ણાદિને પ્રભાવિત કરી શકે છે અને વર્ણાદિ ઇન્દ્રિયોને. જયાં સુધી તેમની સત્તાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. વર્ણાદિનું જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ છે, તેમનું અસ્તિત્વ ઇન્દ્રિયસાપેક્ષ નથી. અન્યથા જ્ઞાનભેદનો કોઈ આધાર જ નહિ રહે.
જો વર્ણ આદિ ધર્મ વસ્તુતઃ પદાર્થમાં છે અર્થાત્ વસ્તુગત છે તો તેમના પ્રતિભાસમાં અત્તર કેમ હોય છે? બધાંને વર્ણ આદિની સદા એકસરખી પ્રતીતિ થવી જોઈએ પણ એવું દેખાતું નથી. વર્ણ આદિના પ્રતિભાસમાં દેશગત, કાલગત અને વ્યક્તિગત અન્તર દેખાય છે. આવું કેમ ? આ અત્તરનું કારણ બે પ્રકારનું છે – આન્તરિક અને બાહ્ય. આન્તરિક કારણમાં ઇન્દ્રિયભેદ, ઇન્દ્રિયદોષ વગેરેનો સમાવેશ થાય છે તથા બાહ્ય કારણમાં અન્ય પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ બે પ્રકારનાં કારણોને લીધે પ્રતિભાસમાં અન્તર અથવા દોષ આવી જાય છે. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે પુગલમાં કોઈને કોઈ પ્રકારના વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શ હોય જ છે.
એક દાર્શનિક માન્યતા એવી છે કે આપણને જેટલું પણ જ્ઞાન કે અનુભવ છે તે દશ્ય જગત સુધી જ સીમિત છે. આપણને વાસ્તવિક જગતનું જ્ઞાન નથી થઈ શકતું. એ કેવી રીતે ? આપણા જ્ઞાનની ઉત્પત્તિમાં ઘણાં એવાં કારણો છે જેના લીધે પદાર્થના વાસ્તવિક રૂપનો અનુભવ આપણને થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે આપણને થતું ઘટજ્ઞાન લો. આ ઘટજ્ઞાનમાં સમયનો અંશ અવશ્ય રહેશે કેમ કે આપણે કોઈ ને કોઈ સમયમાં જ ઘટનો અનુભવ કરીએ છીએ. આ ઘટજ્ઞાનમાં સ્થાનનો ભાગ પણ રહેશે કેમ કે આપણું આ ઘટજ્ઞાન કોઈ ને કોઈ સ્થાન ઉપર રાખેલા ઘટના વિષયનું જ હશે. આપણે તે ઘટને અતિ યા નાસ્તિ અર્થાત્ છે યા નથી રૂપમાં અથવા કાર્ય યા કારણ રૂપમાં અથવા અન્ય કોઈ રૂપમાં જાણીશું. આમ આપણું ઘટજ્ઞાન દેશ,કાલ અને વિચારની કોઈને કોઈ કોટિથી સમ્બદ્ધ યા સીમિત હશે. તાત્પર્ય એ કે આપણા જ્ઞાનમાં દેશ, કાલ અને વિચારની મર્યાદાઓ છે. આપણને આ બધી મર્યાદાઓ વચ્ચે પદાર્થ જેવો દેખાય છે તેવો જ આપણે તેને જાણીએ છીએ. હકીકતમાં પદાર્થ ખરેખર કેવો છે અર્થાત દેશ, કાલ અને વિચારની સીમાઓથી પર વસ્તુનું શું સ્વરૂપ છે એનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. દેશ-કાલ-વિચારવિનિર્મુક્ત શુદ્ધ વસ્તુનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. આપણે દશ્ય જગતનું જ્ઞાન કરી શકીએ છીએ પરંતુ વાસ્તવિક જગતનું જ્ઞાન આપણે કરી શકતા નથી. પદાર્થ જે રૂપમાં આપણને પ્રતિભાસિત થાય છે તે રૂપમાં આપણે પદાર્થને જાણીએ છે, પદાર્થને તેના પોતાના મૂળ અસલ રૂપમાં આપણે જાણી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org