________________ તત્ત્વવિચાર 113 અદ્વૈત વેદાન્તની આ માન્યતાનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે જ્યાં સુધી આકાશનો પ્રશ્ન છે ત્યાં સુધી તો એ કહેવું ઉચિત છે કે તે એક છે કેમ કે અનેક વસ્તુઓને પોતાની અંદર અવગાહના દેવા છતાં પણ તે એકરૂપ રહે છે. તેની અંદર કોઈ ભેદ દેખાતો નથી. અથવા આકાશ પણ સર્વથા એકરૂપ નથી કેમ કે તે પણ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે અનેક રૂપોમાં પરિણત થતું રહે છે. દીપકની જેમ તે પણ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, તેમ છતાં પણ માની લો કે આકાશ એકરૂપ છે. પરંતુ જ્યાં સુધી આત્માનો પ્રશ્ન છે ત્યાં સુધી તો એવી કોઈ પણ એકતા જણાતી નથી જેના કારણે બધા જ ભેદો સમાપ્ત થઈ જાય. એ વાત બરાબર છે કે તેમનું સ્વરૂપ એકસરખું છે. એવું હોવા છતાં પણ તેમનામાં ઐકાન્તિક અભેદ નથી. માયાને વચ્ચે લાવીને ભેદને મિથ્યા સિદ્ધ કરવો યુક્તિસંગત નથી કેમ કે માયા ખુદ અસિદ્ધ છે. આત્મા પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પ્રત્યેક પિંડમાં અલગ છે. જગતનાં બધાં જીવતાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન છે કારણ કે તેમના ગુણોમાં ભેદ છે, જેમ કે ઘટ. જ્યાં કોઈ વસ્તુના ગુણોમાં અન્ય વસ્તુના ગુણોથી ભેદ નથી હોતો ત્યાં તે વસ્તુ પેલી બીજી વસ્તુથી ભિન્ન નથી હોતી, જેમ કે આકાશ. બીજી વાત એ કે જો આખા વિશ્વમાં અન્તિમ તત્ત્વ એક જ આત્મા હોય તો સુખ, દુઃખ, બન્ધન, મુક્તિ આદિ ભેદો બિલકુલ અસ્તિત્વ જ ન ધરાવે. જ્યાં એક છે ત્યાં કોઈ ભેદ હોઈ શકે જ નહિ. ભેદ હમેશાં અનેકપૂર્વક હોય છે. ભેદનો અર્થ જ અનેકતા છે. માયા કે અવિદ્યા પણ આ સમસ્યાનું સમાધાન કરી શકતી નથી કેમ કે જયાં કેવળ એક જ તત્ત્વ છે ત્યાં માયા કે અવિદ્યા નામની બીજી કોઈ ચીજ હોઈ શકે જ નહિ. તેની કોઈ ગુંજાશ નથી. તાત્પર્ય એ કે એકતત્ત્વવાદી ભેદનું કોઈ સન્તોષજનક સમાધાન કરી શકતા નથી. એ તો આપણા સૌના અનુભવની વાત છે કે ભેદ છે, તેથી તેનો અપલાપ પણ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં સુખ, દુઃખ, જન્મ, મરણ, બન્ધન, મુક્તિ વગેરે અનેક અવસ્થાઓના સન્તોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યન્ત આવશ્યક છે.' આત્માઓના ગુણોમાં ભેદ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં જૈનાચાર્ય કહે છે કે આત્માઓનું સામાન્ય લક્ષણ ઉપયોગ છે. પરંતુ આ ઉપયોગ અનન્ત પ્રકારનો હોય છે કેમ કે પ્રત્યેક આત્મામાં ભિન્ન ભિન્ન ઉપયોગ છે. કોઈ આત્મામાં ઉપયોગનો ઉત્કર્ષ છે તો કોઈ આત્મામાં ઉપયોગનો અપકર્ષ છે અને ઉત્કર્ષ અને અપકર્ષની આ બે અત્તિમ અવસ્થાઓ વચ્ચે અનેક પ્રકારની અવસ્થાઓ છે. આત્માઓ અનન્ત છે, તેથી આત્મભેદે 1. વિશેષાવશ્યકભાષ્ય, 1582. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org