________________
૧૦૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા હોવાથી વ્યભિચારી છે. સદ્વેતુ તો વિપક્ષમાં રહે જ નહિ એ નિશ્ચિત જ હોય, જ્યારે અહીં તો વકતૃત્વ હેતુનું વિપક્ષમાં (સર્વજ્ઞમાં) ન હોવું સંદિગ્ધ છે અને તેથી વ્યભિચારી છે કારણ કે જ્ઞાન વધતાં વક્તૃત્વની હાનિ થતી દેખાતી નથી પરંતુ એથી ઊલટું જ્ઞાનનો ઉત્કર્ષ થતાં વક્તૃત્વનો ઉત્કર્ષ થતો દેખાય છે. ઉપર્યુક્ત કથનથી પુરુષત્વ હેતુ પણ નિરસ્ત થઈ જાય છે. અહીં પણ હેતુ તરીકે આપવામાં આવેલ પુરુષત્વની બાબતમાં પણ ત્રણ વિકલ્પો સંભવે છે— (૧) રાગ આદિથી અદૂષિત પુરુષત્વ, (૨) રાગ આદિથી દૂષિત પુરુષત્વ અને (૩) અવિશિષ્ટ અર્થાત્ —સામાન્ય પુરુષત્વ. પહેલો પક્ષ સ્વીકારવામાં આવે તો એવો પુરુષત્વ હેતુ તો વિરુદ્ધ હેતુ ઠરે કા૨ણ કે તે હેતુ સાધ્યના (અસર્વજ્ઞના) બદલે સાધ્યાભાવને (સર્વજ્ઞને) સિદ્ધ કરે છે. અદૂષિત અર્થાત્ જ્ઞાન, વૈરાગ્ય આદિ ગુણોથી વિશિષ્ટ પુરુષત્વ સર્વજ્ઞ સિવાય અન્યત્ર ઘટતું નથી. બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો સિદ્ધસાધ્યતાનો દોષ આવે અર્થાત્ જે વસ્તુ સિદ્ધ જ છે તેને સિદ્ધ કરવાથી શો લાભ ? અમે પણ સ્વીકારીએ છીએ કે રાગ આદિથી દૂષિત પુરુષત્વ અસર્વજ્ઞમાં જ હોય છે, તે વસ્તુ તો અમારે માટે પણ સિદ્ધ જ છે, તેને સિદ્ધ કરવાની જરૂર જ ક્યાં છે? ત્રીજો પક્ષ સ્વીકારવામાં આવે તો એવો પુરુષત્વ હેતુ તો સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક છે કારણ કે સર્વજ્ઞત્વ સાથે પુરુષત્વનો કોઈ વિરોધ નથી એટલે પુરુષત્વ સર્વજ્ઞત્વનું બાધક નથી. આમ અનુમાન પ્રમાણ પણ સર્વજ્ઞનું બાધક નથી.
62. नाप्यागमस्तद्बाधकः तस्यापौरुषेयस्यासम्भवात्; सम्भवे वा तद्बाधकस्य तस्यादर्शनात् । सर्वज्ञोपज्ञश्चागमः कथं तद्बाधकः ?, इत्यलमतिप्रसङ्गेनेति ॥१७॥
62. આગમ પ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક નથી. [જો તમે મીમાંસકો આગમ પ્રમાણને સર્વજ્ઞતાનું બાધક માનતા હો તો તે આગમ પ્રમાણ અપૌરુષેય છે કે પુરુષકૃત? તમે કહેશો કે અપૌરુષેય.] પરંતુ અપૌરુષેય આગમ પ્રમાણ તો કોઈ સંભવતું જ નથી. દલીલ ખાતર માની લઈએ કે એવું આગમ પ્રમાણ સંભવે છે તો તે સર્વજ્ઞનું બાધક જણાતું નથી. [મીમાંસકો વેદને (અને ઉપનિષદો પણ વેદનો જ ભાગ છે) અપૌરુષેય માને છે અને સર્વજ્ઞબાધક માને છે. હેમચન્દ્રાચાર્ય કહે છે કે આ તમે માનેલા અપૌરુષેય વેદો સર્વજ્ઞનાબાધક નથી પણ સાધક છે. કેટલાંય વેદવાક્યો અને ઉપનિષદવાક્યો સર્વજ્ઞના અસ્તિત્વના સૂચક છે.] જો આગમ પ્રમાણ પુરુષકૃત હોય તો તે સર્વજ્ઞ પુરુષકૃત જ હોય. અને સર્વજ્ઞકૃત આગમ પ્રમાણ સર્વજ્ઞનું બાધક કેવી રીતે હોઈ શકે ? [અને અસર્વજ્ઞકૃત આગમને પ્રમાણ જ માની શકાય નહિ.] હવે આ ચર્ચાને વધુ પડતી લંબાવવામાંથી અટકીએ. (૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org