________________
પ્રાસ્તાવિક
૨૯
(૧૧) મહાકાવ્યનાં અનિવાર્ય તત્ત્વોમાં અલંકારની ગણના કરવામાં બધા આચાર્યો એકમત નથી.
(૧૨) મહાકાવ્ય છંદોબદ્ધ હોવું જરૂરી છે. કેટલાક આચાર્યોના મતે સર્ગના અંતે ભિન્ન છંદનો પ્રયોગ કરવો જોઈએ.
(૧૩) મહાકાવ્યમાં ઉદાત્ત ભાષાનો પ્રયોગ હોવો જોઈએ. તે બધી રીતિઓ, ગુણો અને અલંકારોથી યુક્ત હોવી જોઈએ. મહાકવિનું ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ હોવું જોઈએ.
(૧૪) વિશ્વનાથ અનુસાર મહાકાવ્યનું શીર્ષક કવિ, કથાવસ્તુ કે ચરિતનાયકના નામ ઉપરથી રાખવું જોઈએ.
(૧૫) વાલ્મટ અનુસાર પ્રત્યેક સર્ગનું છેલ્લું પદ્ય કવિ દ્વારા અભિપ્રેત શ્રી, લક્ષ્મી આદિ પદોથી અંકિત હોવું જોઈએ.
પાશ્ચાત્ય અને ભારતીય મહાકાવ્યવિષયક માન્યતાઓ ઉપર વિચાર કરીશું તો જણાશે કે તેમની વચ્ચે ખાસ અંતર નથી. તેમ છતાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ મહાકાવ્યને કવિપરંપરાસખ્ખત નિયમોથી કસીને બાંધવાની કોશિશ કરી છે. તેઓ માને છે કે મહાકાવ્યમાં સુનિશ્ચિત વણ્ય વિષયોનાં વર્ણનો અવશ્ય હોવાં જોઈએ. મહાકાવ્યના આરંભમાં મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જન-દુર્જન ચર્ચા, કવિ દ્વારા આત્મલાઘવ પ્રદર્શન વગેરે તથા મહાકાવ્યના અંતમાં ગુરુપરંપરાની પ્રશસ્તિ હોવી જોઈએ. મહાકાવ્ય સર્ચબદ્ધ હોવું જોઈએ અને સર્ગોની સંખ્યા ઓછામાં ઓછી આઠ હોવી જોઈએ તથા સર્ગના અંતિમ પદ્યમાં કવિએ અભિપ્રેત શબ્દની મુદ્રા લગાવવી જોઈએ.
મહાકાવ્યનાં ઉપર્યુક્ત તત્ત્વોના પ્રકાશમાં જૈન મહાકાવ્યોમાં જે સમાનતા અને વિશેષતા છે તેને નીચે જણાવવામાં આવી છે –
(૧) જૈન મહાકાવ્ય સર્ગના વિકલ્પ આશ્વાસક, કાંડ, પરિચ્છેદ, ઉત્સાહ, પર્વ, લંભક, પ્રકાશ વગેરેમાં વિભક્ત હોય છે.
(૨) લગભગ બધાં જૈન મહાકાવ્યોનો પ્રારંભ મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જનદુર્જનચર્ચા, આત્મલઘુતા, પૂર્વાચાર્યના સ્મરણથી થાય છે અને અધિકાંશ જૈન મહાકાવ્યોના અંતમાં કવિનો પરિચય અને તેમની ગુરુપરંપરા આપવામાં આવી હોય છે.
(૩) તેમનું કથાનક ઇતિહાસ, પુરાણ, દન્તકથા, પ્રાચીન મહાકાવ્ય, સમસામયિક ઘટના કે વ્યક્તિ ઉપર આધારિત હોય છે. તેમનું કથાનક વ્યાપક અને સુસંગઠિત હોય છે. અધિકાંશ જૈન મહાકાવ્યોમાં પાંચ નાટ્યસંધિઓની યોજના દ્વારા કથાનકનો વિસ્તાર કરવામાં આવ્યો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org