________________
૧૦
ગૃહસ્થોની પ્રતિષ્ઠા કાયમ હતી. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલક જિનભદ્રસૂરિનો ખૂબ આદર કરતા હતા. મુગલ સમ્રાટ અકબર અને જહાંગીરે આચાર્ય હીરવિજય, શાન્તિચન્દ્ર અને ભાનુચન્દ્રના ઉપદેશોથી પ્રભાવિત થઈ જીવરક્ષા માટે ફરમાનો કાઢ્યાં હતાં. અકબરે આચાર્ય હીરવિજયજીને જગદ્ગુરુની ઉપાધિ આપી હતી અને એમના અનુરોધથી પજૂસણના જૈન વાર્ષિક પર્વના સમયે એ સ્થાનોમાં પ્રાણીહિંસાની મનાઈ ફરમાવી હતી જ્યાં જૈન લોકો રહેતા હતા.
આ રાજનૈતિક સ્થિતિનો પ્રભાવ જૈન કાવ્યસાહિત્ય ઉપર વિવિધ રૂપે પડ્યો અને ઈસ્વી સન્ની પાંચમી શતીથી અનવરત જૈન કાવ્યસાહિત્યનું સર્જન થતું રહ્યું. (૨) ધાર્મિક પરિસ્થિતિ ગુપ્તકાળથી આજ સુધીમાં ભારતમાં ધાર્મિક પરિસ્થિતિમાં અનેક ઉથલપાથલ થઈ છે. ગુપ્તયુગમાં એક નવીન બ્રાહ્મણધર્મનો ઉદય થઈ રહ્યો હતો જેનો આધાર વેદોની અપેક્ષાએ પુરાણો વધુ મનાતા હતા. બ્રાહ્મણધર્મમાં અનેક અવતારોની પૂજા અને ભક્તિ પ્રધાન હતી. ગુપ્ત નરેશ પોતે જ ભાગવત ધર્મના અનુયાયી હતા અર્થાત્ વિષ્ણુપૂજક હતા પરંતુ તે ઘણા જ ધર્મસહિષ્ણુ હતા અને અન્ય ધર્મોને આશ્રય આપતા હતા. બૌદ્ધધર્મના મહાયાન સંપ્રદાયનો ગુપ્ત રાજ્યોના આશ્રયે સારો પ્રચાર હતો. નાલન્દા અને પશ્ચિમમાં વલભી બૌદ્ધધર્મનાં નવાં કેન્દ્રોના રૂપમાં વિકસી રહ્યાં હતાં. જૈનધર્મ પણ વિકસિત સ્થિતિમાં હતો. વલભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે પાંચમી શતાબ્દીમાં જૈન આગમોનું સંકલન કર્યું. આ યુગની સૌથી મોટી વિશેષતા એ છે કે વિભિન્ન ધર્મોમાં પરસ્પર આદાનપ્રદાન અને સંમિશ્રણ અધિક પ્રમાણમાં વધવા લાગ્યું હતું. જૈન તીર્થંકર ઋષભદેવ અને ભગવાન બુદ્ધે હિન્દુ અવતારોમાં ગણાવા લાગ્યા હતા. તે સમયના અનેક ધાર્મિક વિશ્વાસોમાં ઉથલપાથલ થઈ રહી હતી, ધાર્મિક જીવનમાં વિધર્મી તત્ત્વો પ્રવેશવા લાગ્યાં હતાં અને એક જ કુટુંબ કે રાજવામાં વિભિન્ન ધર્મોની એક સાથે ઉપાસના થવા લાગી હતી. તાંત્રિક ધર્મનો વિસ્તાર વધવા લાગ્યો હતો. હિન્દુધર્મના ભાગવત, શાક્ત અને શૈવ સંપ્રદાયોમાં તથા બૌદ્ધધર્મમાં તાંત્રિક ધર્મનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. જૈનધર્મમાં તે મન્ત્રવાદના રૂપમાં પ્રવેશી રહ્યો હતો. તાંત્રિક દેવીદેવતાઓના રૂપમાં ચમત્કારપ્રદર્શન માટે કે વાદવિવાદમાં સામાને પરાજિત કરવા માટે કેટલીક દેવીઓ જેવી કે જવાલામાલિની, ચક્રેશ્વરી, પદ્માવતી વગેરેનો આવિષ્કાર થવા લાગ્યો હતો. તેમની સ્વતન્ત્ર મૂર્તિઓનું કે તેમનાં સ્વતન્ત્ર મંદિરોનું નિર્માણ થવા લાગ્યું હતું અને તેમનાં સ્તોત્રો-પૂજાઓ રચાવાં લાગ્યાં હતાં. શૈવ અને વૈષ્ણવ ધર્મોના પ્રભાવના કારણે જૈન તીર્થંકરોને કર્તા-હર્તા માની તેમનાં ભક્તિપરક સ્તોત્રો લખાવા લાગ્યાં હતાં.
Jain Education International
જૈન કાવ્યસાહિત્ય
--
For Private & Personal Use Only
www.jainelibrary.org