________________
૨૮
અંગબાહ્ય આગમો વર્ણન કરવામાં આવ્યું છે. બીજા ભાગમાં પાર્શ્વનાથના પ્રધાન શિષ્ય કેશીકુમાર અને શ્રાવસ્તીના રાજા પ્રદેશી વચ્ચેના જીવ-અજીવ વિષયક સંવાદનું વર્ણન છે. રાજા પ્રદેશી જીવ અને શરીરને અભિન્ન માને છે અને કેશીકુમાર તેના મતનું ખંડન કરતાં જીવના સ્વતંત્ર અસ્તિત્વના પ્રમાણો રજુ કરે છે. ઉવવાઈયસૂત્રની માફક આ ગ્રંથનો આરંભ આમલકપ્પા નગરી (બૌદ્ધ સાહિત્યમાં અલ્લકપ્પાનો ઉલ્લેખ આવે છે. આ સ્થાન શાહબાદ જિલ્લામાં મસાર અને વૈશાલીની વચ્ચે આવેલ હતું.) ના વર્ણનથી કરવામાં આવેલ છે. આમલકપ્પા :
આમલકપ્પા નગરી ધન્ય-ધાન્યાદિ વડે સમૃદ્ધ અને મનુષ્યોથી વ્યાપ્ત હતી. સેંકડો-હજારો હળ વડે અહીં ખેતી કરવામાં આવતી હતી. ખેડૂતો પોતાના ખેતરોમાં શેરડી, જવ અને ચોખા વાવતા તથા ગાયો, ભેંસો અને ઘેટાં પાળતા. અહીંના લોકો આનંદ-પ્રમોદ માટે કૂકડા અને સાંઢ રાખતા. અહીં સુંદર આકારના ચૈત્યો અને ગણિકા યુવતીઓના મહોલ્લા હતા. લાંચ લેનારા, ખિસ્સાકાતરુઓ, તસ્કરો અને કોટવાળો (ખંડરખિય-દંડપાશિક)નો અહીં અભાવ હતો. શ્રમણોને યથેચ્છ ભિક્ષા મળતી. નટ, નર્તક, જલ્લ (દોરડા પર ખેલ કરનાર), મલ, મૌષ્ટિક (મુઠ્ઠીથી લડનારા), વિદૂષક, કથાવાચક, પ્લવક (તરવૈયા), રાસગાયક, શુભાશુભ ભવિષ્ય ભાખનારા, લખ (વાંસ ઉપર ખેલ કરનારા), મંખ (ચિત્રો બતાવી ભિક્ષા માગનારા), તૂર વગાડનારા, તુંબવીણા વગાડનારા અને તાલ દઈ દઈ ખેલ કરનારા અહીં નિવાસ કરતા હતા. આ નગરી આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, દીધેિકા (વાવ) અને પાણીની પરબોથી શોભતી હતી. ચારે તરફ ખાઈ અને ખાતથી તે શોભતી હતી તથા ચક્ર, ગદા, મુસુંઢી, ઉરોહ (છાતીમાં ઈજા પહોંચાડનાર), શતક્ની તથા છિદ્રરહિત દરવાજાઓને કારણે તેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો. આ નગરી વક્ર પ્રાકાર (કિલ્લો)થી ઘેરાયેલી, કપિશીર્ષકો (કાંગરા)થી શોભતી હતી તથા અટારીઓ, ચરિકા (ઘર અને કિલ્લા વચ્ચે હાથી વગેરેને જવા માટેનો માર્ગ), દ્વાર, ગોપુર અને તોરણોથી શોભાયમાન હતી. ગોપુરના આગળા અને ઈન્દ્રનીલ કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. અહીંના બજારોમાં વણિકો અને કારીગરો પોતાનો માલ વેચતા હતા. આમલકપ્પા નગરીના રાજમાર્ગો સુંદર હતા અને હાથી, ઘોડા, રથ અને પાલખીઓના આવાગમનથી ભરચક ભરેલા રહેતા (સૂત્ર ૧).
આ નગરીની ઉત્તર-પૂર્વમાં પુરાતન અને સુપ્રસિદ્ધ આમ્રશાલવન નામે એક ચૈત્ય હતું. આ ચૈત્ય વેદી, છત્ર,ધ્વજા અને ઘંટાઓથી શોભતું હતું. રૂંછાદાર માર્જની ૧. જુઓ–બી.સી. લાહા, યોગ્રોફી ઑફ અર્લી બુદ્ધિઝમ, પૃ. ૨૪ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org