________________
૨૨૧
સ્થાનાંગ અને સમવાયાંગ આવ્યાં છે : ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંપિલ્ય, મિથિલા, કૌશાંબી અને રાજગૃહ. વૃત્તિકારે આની સાથે સંબંધિત દેશોનાં નામો આ પ્રમાણે બતાવ્યા છે : અંગ, સૂરસેન, કાશી, કુણાલ, કોશલ, કુર, પાંચાલ, વિદેહ, વત્સ અને મગધ. વૃત્તિકારે એ પણ લખ્યું છે કે શ્રમણ-શ્રમણીઓની આવી રાજધાનીઓમાં ઉત્સર્ગરૂપે અર્થાત્ સામાન્યપણે મહિનામાં બે ત્રણ વાર અથવા તેથી વધારે પ્રવેશ ન કરવો જોઈએ કેમ કે ત્યાં યૌવનસંપન્ન રમણીય વારાંગનાઓ અને અન્ય મોહક તથા વાસનાઉત્તેજક સામગ્રીનાં દર્શનથી અનેક પ્રકારનાં દૂષણોની સંભાવના રહે છે. વૃત્તિકારે આ એક વધુ મહત્ત્વપૂર્ણ વાત લખી છે જેના તરફ વર્તમાનકાલીન શ્રમણ સંઘનું ધ્યાન જવું અત્યંત જરૂરી છે. રાજધાનીઓ તો અનેક છે પરંતુ અહીં દસની વિવક્ષાને કારણે દસ જ નામ ગણાવવામાં આવ્યાં છે.
વૃષ્ટિ:
આ જ અંગના સૂ. ૧૭૬માં અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ ત્રણ કારણો બતાવવામાં આવ્યાં છે: ૧. જે દેશ અથવા પ્રદેશમાં જલયોનિના જીવો અથવા પુદ્ગલો અલ્પ માત્રામાં હોય ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. ૨. જે દેશ અથવા પ્રદેશમાં દેવ, નાગ, યક્ષ, ભૂત વગેરેની આરાધના ન થતી હોય ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. ૩. જ્યાંથી જલયોનિના પુદ્ગલો અર્થાત્ વાદળો અને વાયુ અન્યત્ર ખેંચી જાય છે અથવા વીખેરી નાખે છે ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. આનાથી બરાબર ઉલટાં ત્રણ કારણોથી બહુવૃષ્ટિ અથવા મહાવૃષ્ટિ થાય છે. અહીં બતાવવામાં આવેલા દેવ, નાગ, યક્ષ, ભૂત વગેરેની આરાધનારૂપ કારણનો વૃષ્ટિની સાથે કયો કાર્યકારણ સંબંધ છે તે સમજમાં નથી આવતું. સંભવ છે કે આનો સંબંધ વૈદિક પરંપરાની તે માન્યતા સાથે હોય જેનાથી યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી તેમના દ્વારા વાદળોનો પ્રાદુર્ભાવ કરવાનું માનવામાં આવે છે.
આ રીતે આ બંને અંગોમાં અનેક વિષયોનો પરિચય મળે છે. વૃત્તિકારે અતિ પરિશ્રમપૂર્વક આના પર વિવેચન લખ્યું છે. તેનાથી સૂત્રો સમજવામાં ઘણી સહાય મળે છે. જો આ વૃત્તિ ન હોત તો આ અંગોને સંપૂર્ણપણે સમજવાનું અશક્ય નહિ તો પણ મુશ્કેલ તો જરૂર પડત. આ દષ્ટિએ વૃત્તિકારની બહુશ્રુતતા, પ્રવચનભક્તિ અને અન્ય પરંપરાના ગ્રંથોના ઉપયોગની વૃત્તિ વિશેષ પ્રસંશનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org