________________
સ્થાનાંગ અને સમવાયાંગ
૨૧૩
અને વગ્યાવચ્ચગોત્રીય સુસ્થિત તથા સુપ્રતિબદ્ધથી કોડિય નામક ગણ નીકળ્યો.
ઉપર્યુક્ત ઉલ્લેખમાં કામઢિતગણની ઉત્પત્તિનો કોઈ નિર્દેશ નથી. સંભવ છે કે સુહસ્તીના શિષ્ય કામઢિ સ્થવિરથી જ તે પણ નીકળ્યો હોય. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કામઢિત ગણ વિષયક ઉલ્લેખ નથી, પરંતુ કામઢિત કુલ સંબંધી ઉલ્લેખ અવશ્ય છે. આ કામઢિત કુળ તે વેષવાડિય-વિસ્મયાતીત ગણનું જ એક કુળ છે જેની ઉત્પત્તિ કામઢિ સ્થવિરથી બતાવવામાં આવી છે. ઉપર્યુક્ત બધા ગણો ભગવાન મહાવીરના નિર્વાણથી લગભગ બસો વર્ષ પછીના કાળના છે. પછીના કેટલાક ગણો મહાવીરનિર્વાણના પાંચસો વર્ષ પછીના પણ હોઈ શકે છે.
સ્થાનાંગમાં જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, રોહગુપ્ત અને ગોષ્ઠામાહિલ આ સાત નિહ્નવોનો પણ ઉલ્લેખ આવે છે. તેમાંથી પ્રથમ બે સિવાય બાકીના બધા નિવોની ઉત્પત્તિ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ત્રીજી શતાબ્દીથી લઈ છઠ્ઠી શતાબ્દી સુધીના સમયમાં થઈ છે. આથી એમ માનવું અધિક યોગ્ય છે કે આ સૂત્રની અંતિમ યોજના વીરનિર્વાણની છઠ્ઠી શતાબ્દીમાં થઈ જનાર કોઈ ગીતાર્થ પુરુષે પોતાના સમય સુધીની ઘટનાઓને પૂર્વ પરંપરાથી ચાલી આવતી ઘટનાઓ સાથે મેળવીને કરી છે. જો એમ ન માનવામાં આવે તો એટલું તો માનવું જ પડશે કે ભગવાન મહાવીર પછી થનારી ઉક્ત બધી ઘટનાઓ કોઈ ગીતાર્થ સ્થવિરે આ સૂત્રમાં પાછળથી જોડી છે.
એ જ રીતે સમવાયાંગમાં પણ એવી ઘટનાઓનો ઉલ્લેખ છે કે જે મહાવીરના નિર્વાણ પછી બની છે. ઉદાહરણ તરીકે ૧૦૦માં સૂત્રમાં ઇન્દ્રભૂતિ અને સુધર્માના નિર્વાણનો ઉલ્લેખ. આ બંનેનું નિર્વાણ મહાવીર પછી થયું છે. આથી એવું કથન કે આ સૂત્ર સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું, અથવા સુધર્માસ્વામી પાસેથી જંબૂસ્વામીએ સાંભળ્યું, તે કેવા અર્થમાં અને ક્યાં સુધી યોગ્ય છે તે વિચારવાયોગ્ય છે. આવી પરિસ્થિતિમાં આગમોને ગ્રંથબદ્ધ કરનાર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જ જો આ બંને અંગોને અંતિમ રૂપ આપનારા હતા એમ માનવામાં આવે તો પણ કોઈ હરકત નથી. શૈલી:
આ સૂત્રોની શૈલી વિષયે સંક્ષેપમાં એમ કહી શકાય કે સ્થાનાંગના પ્રથમ પ્રકરણમાં એક એક પદાર્થ અથવા ક્રિયા વગેરેનું નિરૂપણ છે, દ્વિતીય પ્રકરણમાં બે બેનું, તૃતીયમાં ત્રણ ત્રણનું એમ અંતિમ પ્રકરણમાં દસ દસ પદાર્થો અથવા ક્રિયાઓનું વર્ણન છે. જે પ્રકરણમાં એકસંખ્યક વસ્તુનો વિચાર છે તેનું નામ એકસ્થાન અથવા પ્રથમ સ્થાન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org