________________
૨૦૦
અંગઆગમ
શબ્દો આચારાંગના વાક્યો અને શબ્દો સાથે મળતા આવે છે. ક્રિયાસ્થાન:
ક્રિયાસ્થાન નામક દ્વિતીય અધ્યયનમાં વિવિધ ક્રિયાસ્થાનોનો પરિચય આપવામાં આવ્યો છે. ક્રિયાસ્થાનનો અર્થ છે પ્રવૃત્તિનું નિમિત્ત. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનાં વિવિધ કારણો હોય છે. આ જ કારણોને પ્રવૃત્તિનિમિત્તો અથવા ક્રિયાસ્થાનો કહે છે.
આ ક્રિયાસ્થાનો વિષયમાં પ્રસ્તુત અધ્યયનમાં પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ક્રિયાસ્થાનો મુખ્યત્વે બે પ્રકારના છે :- ધર્મક્રિયાસ્થાન અને અધર્મક્રિયાસ્થાન. અધર્મક્રિયાસ્થાનના બાર પ્રકાર છે :
૧. અર્થદંડ, ૨. અનર્થદંડ, ૩. હિંસાદંડ, ૪. અકસ્માતદંડ, ૫. દષ્ટિવિપર્યાલદંડ, ૬. મૃષાપ્રત્યયદંડ, ૭. અદત્તાદાનપ્રત્યયદંડ, ૮. અધ્યાત્મપ્રત્યયદંડ, ૯. માનપ્રત્યયદંડ, ૧૦. મિત્રદોષપ્રત્યયદંડ, ૧૧. માયાપ્રત્યયદંડ, ૧૨. લોભપ્રત્યયદંડ. ધર્મક્રિયાસ્થાનમાં ધર્મહતુક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ રીતે ૧૨અધર્મક્રિયાસ્થાનો અને ૧ ધર્મક્રિયાસ્થાન મળી આ ૧૩ ક્રિયાસ્થાનોનું નિરૂપણ પ્રસ્તુત અધ્યયનનો વિષય છે.
૧. હિંસા વગેરે દૂષણયુક્ત જે પ્રવૃત્તિ કોઈપણ પ્રયોજન માટે કરવામાં આવે છે તે અર્થદંડ છે. તેમાં પોતાની જાતિ, કુટુંબ, મિત્ર વગેરે માટે કરવામાં આવતી ત્રસ અથવા સ્થાવર જીવોની હિંસાનો સમાવેશ થાય છે.
૨. કોઈ પ્રયોજન વિના જ માત્ર આદતને કારણે અથવા મનોરંજન માટે કરવામાં આવનારી હિંસા વગેરે દૂષણયુક્ત પ્રવૃત્તિ અનર્થદંડ છે.
૩. અમુક પ્રાણીઓએ મને અથવા મારા કોઈ સંબંધીને માર્યો હતો, માર્યો છે અથવા મારનાર છે–એવું સમજીને જે મનુષ્ય તેમને મારવાની પ્રવૃત્તિ કરે છે તે હિંસાદંડનો ભાગીદાર થાય છે.
૪. મૃગાદિને મારવાની ભાવનાથી બાણ વગેરે છોડતાં અકસ્માત કોઈ અન્ય પક્ષી વગેરેનો વધ થવાનું નામ અકસ્માદંડ છે.
૫. દષ્ટિમાં વિપર્યાસ થવાથી મિત્ર વગેરેને અમિત્ર આદિ બુદ્ધિથી મારી નાખવાનું નામ દષ્ટિવિપર્યાસદંડ છે.
૬. પોતાને માટે, પોતાના કુટુંબ માટે અથવા બીજા કોઈને માટે જૂઠું બોલવું, જૂઠું બોલાવવું કે જૂઠું બોલનારાનું સમર્થન કરવું મૃષાપ્રત્યયદંડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org