________________
અંગઆગમ
બતાવવામાં આવી છે આથી તેમને મહાઅધ્યયનો કહ્યાં છે. આ સાત અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : ૧. પુંડરીક, ૨. ક્રિયાસ્થાન, ૩. આહા૨પરિજ્ઞા, ૪. પ્રત્યાખ્યાનક્રિયા, ૫. આચારશ્રુત અથવા અનગારશ્રુત, ૬. આર્દ્રકીય, ૭. નાલંદીય. આમાંથી આચારશ્રુત અને આર્દ્રકીય એ બે અધ્યયનો પદ્ય રૂપે છે, બાકીના પાંચ ગદ્ય રૂપે. માત્ર આહા૨પરિજ્ઞામાં ચાર જેટલાં પદ્યો આવે છે, બાકીનું આખુ અધ્યયન ગદ્ય રૂપે છે.
૧૯૮
પુંડરીક :
જે રીતે પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં ભૂતવાદી, તજ્જીવતચ્છરીરવાદી, આત્મષઠવાદી, ઇશ્વરવાદી, નિયતિવાદી વગેરે વાદીઓના મતોનો ઉલ્લેખ છે તે જ રીતે દ્વિતીય શ્રુતસ્કંધના પુંડરીક નામક પ્રથમ અધ્યયનમાં આ વાદીઓમાંથી કેટલાક વાદીઓના મતોની ચર્ચા છે. પુંડરીકનો અર્થ છે સો પાંખડીઓવાળું ઉત્તમ શ્વેત કમળ. પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીકના રૂપકની કલ્પના કરવામાં આવી છે અને તે રૂપકનો ભાવાર્થ સમજાવવામાં આવ્યો છે. રૂપક આ પ્રમાણે છે : એક વિશાળ પુષ્કરિણી છે. તેમાં ચારે બાજુ સુંદર સુંદર કમળો ખીલ્યાં છે. તેમાં બરાબર વચ્ચોવચ્ચ એક પુંડરીક ખીલ્યું છે. ત્યાં પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો અને તેણે તે પુંડરીક જોયું. જોઈને તે કહેવા લાગ્યો—હું ક્ષેત્રજ્ઞ (અથવા ખેદજ્ઞ) છું, કુશળ છું, પંડિત છું, વ્યક્ત છું, મેધાવી છું, અબાલ છું, માર્ગસ્થ છું, માર્ગવિદ્છું અને માર્ગ પર પહોંચવા માટેના ગતિપરાક્રમનો પણ જ્ઞાતા છું. હું આ ઉત્તમ કમળ તોડી શકીશ. આમ કહેતાં કહેતાં તે પુષ્કરિણીમાં ઉતર્યો અને જેમ જેમ આગળ વધવા લાગ્યો તેમ તેમ ઊંડું પાણી અને ભારે કીચડ આવવા લાગ્યું. પરિણામે તે કિનારાથી દૂર કીચડમાં ફસાઈ ગયો અને ન આ પાર પાછો આવી શક્યો કે ન પેલે પાર જઈ શક્યો. એ જ રીતે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણથી આવેલા ત્રણ બીજા પુરુષો તે કીચડમાં ફસાયા. એટલામાં એક સંયમી, નિસ્પૃહ અને કુશળ ભિક્ષુ ત્યાં આવી પહોંચ્યો. તેણે તે ચારે પુરુષોને પુષ્કરિણીમાં ફસાયેલા જોયા અને વિચાર્યું કે આ લોકો અકુશળ, અપંડિત અને અમેધાવી જણાય છે. આ રીતે ક્યાંય કમળ મેળવી શકાય ? હું આ કમળને પ્રાપ્ત કરી શકીશ. એમ વિચારી તે પાણીમાં ન ઊતરતાં કિનારા પર ઊભો રહીને જ કહેવા લાગ્યો—હે ઉત્તમ કમળ ! મારી પાસે ઊડીને આવ, મારી પાસે ઊડીને આવ.આમ કહેતાં જ તે કમળ ત્યાંથી ઊડીને ભિક્ષુ પાસે આવી ગયું.
આ રૂપકનો પરમાર્થસાર બતાવતાં સૂત્રકાર કહે છે કે આ સંસાર પુષ્કરિણી સમાન છે. તેમાં કર્મરૂપી પાણી અને કામભોગરૂપી કીચડ ભરેલ છે. અનેક જનપદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org