________________
૧૦૨
અંગઆગમ પરંપરામાં સંભવ છે કે આ પ્રકારની કલ્પનાના આધારે પૂર્વોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોય. હવે આપણી સામે પૂર્વો છે નહિ આથી તેમની રચના વગેરે વિષયમાં વિશેષ કંઈ કહી શકાતું નથી.
આચારાંગને સર્વપ્રથમ સ્થાન આપવામાં પ્રથમ અને પ્રમુખ હેતુ છે તેનો વિષય. બીજો હેતુ એ છે કે જ્યાં જ્યાં અંગોના નામો આવ્યાં છે ત્યાં ત્યાં મૂળમાં અથવા વૃત્તિમાં સહુથી પહેલાં આચારાંગનું જ નામ આવ્યું છે. ત્રીજો હેતુ એ છે કે તેનાં નામના પ્રથમ ઉલ્લેખ વિષયમાં કોઈએ કંઈ પણ વિસંવાદ કે વિરોધ પ્રગટ કર્યો નથી.
આચારાંગ પછી જે સૂત્રકૃતાંગ વગેરે નામો આવ્યાં છે તેમના ક્રમની યોજના કોણે કેવી રીતે કરી તેની ચર્ચા માટે આપણી પાસે કોઈ ઉલ્લેખનીય સાધન નથી. એટલું જરૂર કહી શકાય કે સચેલક અને અચલક બંને પરંપરાઓમાં અંગોનો એક જ ક્રમ છે. તેમાં આચારાંગનું નામ સહુ પ્રથમ આવે છે અને પછી સૂત્રકૃતાંગ વગેરેનું. અંગોની શૈલી અને ભાષાઃ
શૈલીની દૃષ્ટિએ પ્રથમ અંગમાં ગદ્યાત્મક અને પદ્યાત્મક બંને પ્રકારની શૈલી છે. દ્વિતીય અંગમાં પણ આ જ પ્રકારની શૈલી છે. ત્રીજાથી માંડી અગિયારમા અંગ સુધી ગદ્યાત્મક શૈલીનો જ આધાર લેવામાં આવ્યો છે. તે બધામાં ક્યાંય એક પણ પદ્ય નથી એવું તો કહી ન શકાય, પરંતુ મુખ્યપણે તે બધાં ગદ્યમાં જ છે. તેમાં પણ જ્ઞાતાધર્મકથા વગેરેમાં તો વસુદેવહિંડી અથવા કાદંબરીની ગદ્યશૈલીની સમકક્ષ કહી શકાય તેવી ગદ્ય શૈલીનો ઉપયોગ થયો છે. આ શૈલી તેમના રચનાકાળ પર પ્રકાશ નાખવા માટે પણ સમર્થ છે. આપણા સાહિત્યમાં પદ્ય શૈલી અતિ પ્રાચીન છે તથા કાવ્યાત્મક ગદ્ય શૈલી તેની અપેક્ષાએ અર્વાચીન છે. ગદ્ય યાદ રાખવું ઘણું મુશ્કેલ હોય છે એટલા માટે ગદ્યાત્મક ગ્રંથોમાં અહીંતહીં સંગ્રહગાથાઓ આપવામાં આવે છે કે જેનાથી વિષય યાદ રાખવામાં સહાય મળે છે. જૈન ગ્રંથોને પણ આ જ વાત લાગુ પડે છે.
આ પ્રસંગે એ બતાવવું આવશ્યક છે કે આચારાંગસૂત્રમાં પદ્યસંખ્યા અલ્પ નથી. પરંતુ અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી આપણા પૂર્વજોની એ વિષયની અનભિજ્ઞતાને કારણે વર્તમાન સમયમાં આચારાંગનું અનેક વાર પ્રકાશન થવા છતાં પણ તેમાં ગદ્ય-પદ્ય વિભાગનું પૂર્ણપણે પૃથક્કરણ કરી શકાયું નથી. એમ લાગે છે કે વૃત્તિકાર શીલાંકને પણ આ વિષયમાં પૂરી જાણકારી ન હતી. તેમનાથી પહેલાં વિદ્યમાન ચૂર્ણિકારોના વિષયમાં પણ આ જ વાત કહી શકાય છે. વર્તમાન મહાન સંશોધક શ્રી શુબ્રિગે અતિ પરિશ્રમપૂર્વક આચારાંગના સમસ્ત પદોનું પૃથક્કરણ કરી આપણા પર મહાન ઉપકાર કર્યો છે. ખેદ એ વાતનો છે કે આ પ્રકારનું સંસ્કરણ આપણી સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org