________________
... અને હવે
દાદા, ઓ દાદા... જુઓ ને... ઘણા દિવસો પછી આજે હું અહીં આવી છું. અમદાવાદના એક જૂના મકાનના દસ્તાવેજનું થયેલું કામ લઈને આવી છું. તમે કહેશો કે આમે તમે વળી રોજ ક્યાં આવતાં હતાં ? વાત તો સાચી છે દાદી. પણ આજની વાત જુદી નથી ?
અત્યાર સુધી તો હું આવતી હતી ત્યારે મને ખબર હતી કે હું આવીશ એટલે ઊંચું જોઈને તમે હસશો. હાથ લંબાવી બેસવાનો સંકેત કરશો. પછી તમે લીધેલું કામ પતાવશો અથવા ટેબલ પરનું બધું ઠીકઠાક વ્યવસ્થિત કરશો. પછી કહેશો – “ચાલો, કામ શરૂ કરીએ. કેટલું થયું છે? ક્યાંથી અધૂરું હતું ?'
અને હવે... તમારી ખુરશી ખાલી છે. બાજુમાં હું બેઠી છું. કોણ કહેશે મને, “ચાલો, કામ શરૂ કરીએ ? કોણ મારા કામને approve કરશે ?”
તમને અતિ પ્રિય એવું આ સ્થાન. એને અલવિદા કરીને ગયે આજે બે મહિના જેટલો સમય થઈ ગયો છે. તમે હતા ત્યારે તો શ્રત સંદર્ભે જુદાં જુદાં કામો માટે ખાસ્સી આવનજાવન રહેતી. આજે કોઈ આવ્યું નથી. આ ભોંયરું ખૂબ સૂનું સૂનું ભાસે છે.
હા દાદા, હવે તમે નથી ! આવવાના પણ નહિ ! ...તો તમારા દેહના અંતિમ દર્શન કરતી વખતે તમે છો જ’ એ અનુભૂતિનું શું ?
તમે સાચા છો દાદા. તમે જ કહેલું કે “મનનો સ્વભાવ આવો હોય. સતત સંકલ્પવિકલ્પ કર્યા જ કરે. મન પોતાનું છે એટલું ધ્યાનમાં લો.”
...તો મારી આ બન્ને અનુભૂતિ સાચી, ખરું ને દાદા ?
દાદાની ગેરહાજરીમાં મારે કામ તો ચાલુ રાખવું જ રહ્યું. પણ તે દિવસે હું તેમ કરી શકતી નથી. ઘેર ચાલી જાઉં છું.
ઘરનાં અન્ય કામકાજમાં દાદાનાં સ્મરણો ઊભરાતાં રહ્યાં. દાદાની ગેરહાજરી મનને સાલતી રહી. યાદ આવ્યું દાદાના વાર્તાલાપો તો મારી પાસે છે જ. મારા માર્ગદર્શક તરીકે હવે એ વાર્તાલાપો જ રહેશે...
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org