________________
હતી. આ સમયે દાદાને મેં પૂછ્યું હતું : “દાદા, આ નોંધો કોઈને વાંચવા આપી શકું ? ભવિષ્યમાં એને છપાવવાનું મન થાય તો છપાવી શકાય ? આપને વાંધો ખરો ?” દાદાએ ‘વાંધો નથી' એમ જણાવેલું. ફરી પૂછયું : “આમાંથી કોઈ ભાગ ન છાપવો એમ સૂચવો છો ?” તો કહે : “તમને યોગ્ય લાગે તેમ કરજો.”
દાદા ગયા..... હવે તો આ નોંધો જ મારે માટે એમની હયાતી હતી. ઘણા દિવસો બાદ, ઇન્ડોલોજીમાં ગઈ ત્યારે એમની ખાલી ખુરશી અને ખાલી ટેબલ જોઈને, ફરી આ નોંધો વાંચવાનું મન થયું. વાંચતી ગઈ તેમ તેમ એ આખા સમયને હું ફરીથી જીવી ગઈ. આ જ્ઞાનગોષ્ઠિઓએ આપેલ આનંદ એ દિવસે પણ એટલો જ અનુભવ્યો, લાગ્યું કે આ આનંદ – આ ખજાનો મારી એકલીનો રહેવો ન જોઈએ. અને આ બધી જ નોંધો પ્રકાશિત કરવાનો સત્વરે નિર્ણય કર્યો.
હવે પ્રશ્ન ઊઠ્યો : આ નોટોમાં સંગ્રહિત છે તે તમામ નોંધો લેવી કે ચયન કરવું? આ ક્ષેત્રમાં નવા આવનારને માટે આ નોંધો સંદર્ભગ્રંથની ગરજ સારે તેમ છે. તો બધું જ લેવું?
સૌથી પહેલાં મેં નક્કી કર્યું કે આ વાર્તાલાપો જે સ્વરૂપે મને પ્રાપ્ત થયા છે તે જ રીતે પ્રશ્નોત્તરીરૂપે . જ મૂકવા. વળી, આ નોંધો દ્વારા દાદાના વ્યક્તિત્વનાં દર્શન થાય તે હેતુ મુખ્ય રાખવો. આ ગોષ્ઠીઓ મારે માટે સંજીવનીરૂપ અને અર્થપૂર્ણ બની છે, તેવી જ તે અન્ય માટે નીવડે એ ધ્યાનમાં રાખી ચયન કરવું. સોળ વર્ષથી શરૂ થયેલી શ્રુત-આરાધના ૭૦ વર્ષો પર્યત દાદા કરતા રહ્યા હતા. આ યાત્રાનાં સીમાચિહ્નો જેવાં દાદાનાં આ સ્મરણો જૈનશાસનને ઉપકારક અને ઉપયોગી નીવડે તે દૃષ્ટિ પણ, રહી છે.
જ્યારે જ્યારે દાદાને ખુદને પોતાના ગુરુ વિશે લખવાની વાત ઉદ્દભવી છે ત્યારે ત્યારે દાદાએ અવઢવ અનભવી હોવાની વાત જણાવે છે. “લખીને હું એ વિભૂતિને હાનિ તો નહીં પહોંચાડું ને ? - એવી વિમાસણ એમણે હંમેશાં અનુભવી છે. આ તબક્કે આ જ પ્રકારની વિમાસણ હું અનુભવી રહી છું. કહેવાયેલી વાતોના હાર્દ સુધી જો પહોંચી શકાયું નહીં તો તેવી વાતો ફોગટના ઊહાપોહનું નિમિત્ત બની જતી હોય છે. આવું કશુંક થયું તો આ લેખનનું જે ધ્યેય છે તે માર્યું જાય તો ?
આથી જ, દાદા સાથે થયેલી કેટલીક વાતો પ્રમાણભૂત હોવા છતાં, સ્ફોટક નીવડે તેવી દહેશતથી અહીં લીધી નથી. કેટલેક સ્થળે વ્યક્તિઓનાં નામો જણાવવાનું ટાળ્યું છે. કેટલીક વિગતોનો અતિ સંક્ષેપમાં માત્ર અંગુલિનિર્દેશ કર્યો છે.
આટલી કાળજી રખાયા છતાં, આ વાર્તાલાપમાં પ્રગટ થયેલ કોઈક વિગત જનસંઘમાંની કોઈ પણ વ્યક્તિને દુઃખ પીડા કે ઠેસ પહોંચાડનારી બને તો એમ કરવાનો મારો કે વાર્તાલાપ કરનારનો ઇરાદો રજમાત્ર છે નહિ. એ સૌની અહીં હું અગાઉથી જ ક્ષમા પ્રાર્થી લઉં છું.
અહીં પ્રગટ કરેલા વાર્તાલાપોની પાછળ એ દષ્ટિ રહી છે કે આ વાર્તાલાપોમાં માત્ર તથ્યોનું નિરૂપણ છે. વળી, ભાવિ ચરિત્રસાહિત્યનો નાયક બની શકે તેવી ક્ષમતાવાળી વ્યક્તિએ તેને પિષ્ટપેષણ વિના રજૂ કર્યા છે. મારો મુખ્ય હેતુ તે વ્યક્તિત્વને ઉજાગર કરવાનો છે.
દાદાએ જે દિવસે જે વાત કરી, જે પ્રશ્નોત્તરી થઈ તે પ્રમાણે જ, વાસરિકા સ્વરૂપે મૂકવામાં આવી છે. દાદા જુદી જુદી વ્યક્તિઓ સમક્ષ એકની એક વાત કરે ત્યારે એમની સમક્ષ રહેલી વ્યક્તિની કક્ષા એની આ ક્ષેત્ર સાથેની કયા પ્રકારની નિસબત છે, એનો સ્વભાવ કેવો છે તે ધ્યાનમાં રાખે અને તે પ્રકારે પ્રસંગનો ઓછો-વત્તો વિસ્તાર કરે. હું સાથે બેઠી હોઉં ત્યારે ઘણી વાર મેં સાંભળેલી વાત એ શ્રી જિતેન્દ્રભાઈ સંઘવીને કરે અને શ્રી ધર્મધુરંધરજીને કરે ત્યારે એ એક જ વાતનાં જુદાં પાસાં તથા વધુ વિગતો જાણવા મળે. અગાઉ થયેલી આવી વાતો નોંધી તો હોય. પ્રકાશન અર્થે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org