________________
સામાયિક પાઠ
૮૫
મીઠી છે, તે તેમના સાતિશય અને સર્વોત્કૃષ્ટ પુણ્યનું ફળ છે. સમચતુષ્ટ્ય સંસ્થાન, યશકીર્તિ, સુસ્વર, સુભગ, આદેય આદિ અનેક વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય હોવાથી તેમની વાણી ભવ્ય જીવોને સાંભળવામાં પણ સુખકર અને હિતકર લાગે છે. (હરિગીત)
જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે, અશાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો.
(૨૦) શબ્દાર્થ : જેમ સૂર્યરૂપી દીપક દ્વારા (જગતના) સર્વ પદાર્થો સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે, તેમ સિદ્ધ (પરમાત્મા)નું દર્શન થવાથી (સમસ્ત) વિશ્વનું દર્શન થાય છે. જે દેવ અનાદિ અનંત છે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છે તેવા સમર્થ અને સાચા દેવનું હું ખરેખર શરણ માગું છું.
વિશેષાર્થ : સમતાની સાધના કરનારા વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા સાધકની ભાવના અને અનુભવ કેવાં હોય તે વિષે અહીં કથન કરેલું છે.
જે સાધકે પોતાનું આત્મસ્વરૂપ યથાર્થપણે ઓળખવું હોય તેણે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ખરેખર ઓળખવું જોઈએ. કારણ કે સિદ્ધ કે અરિહંત પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ પરમાર્થદૃષ્ટિએ જોતાં, પોતાનું સ્વરૂપ છે. પ્રાયે કરીને આત્માર્થી મનુષ્યને આત્મજ્ઞાની સંતના સાન્નિધ્યનો અને સદ્બોધનો નિષ્ઠાપૂર્વક પરિચય થવાથી અનુક્રમે કરીને સમજાય છે કે જેમ પરમાત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણો પ્રગટ્યા છે તેવા જ ગુણો શુદ્ધદૃષ્ટિએ જોતાં પોતામાં પણ વર્તમાનમાં શક્તિ-અપેક્ષાએ રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org