________________
રત્નાકરાવતારિકા
સામાન્યના બીજાભેદનું વર્ણન
૭૦૪
સન્નિધિ હોતે છતે કાર્ય કરે છે. તમે (બૌધ્ધોએ) અમને જે દોષ આપ્યો કે જો પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય તો વર્તમાનકાલે પણ ભૂત-ભાવિનાં કાર્યો કરવાં જોઈએ. પરંતુ પદાર્થ સમર્થ હોવા છતાં પણ ભૂત-ભાવિનાં કાર્યો કરવામાં જે જે અપેક્ષણીય કારણો છે તેની સન્નિધિ ન હોવાથી તે પદાર્થ તે ભૂત-ભાવિનાં કાર્યો કરતું નથી. એમ અમે (જૈનો) કહીશું. તો તેનું ખંડન કરતાં બૌધ્ધ જણાવે છે કે -
સમર્થ એવા તે પદાર્થને કાર્ય કરવામાં સહકારિ કારણોની અપેક્ષા શા માટે રાખવી પડે છે? (૧) શું તે પદાર્થ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, (૨) કે કંઈને કંઈ ઉપકાર લેવા માટે, (૩) કે કાર્ય કરવા માટે તે સહકારી કારણઓની અપેક્ષા રાખે છે ? આ ત્રણ પક્ષોમાંથી કહો કે તમોને કયો પક્ષ માન્ય છે ? જે પક્ષ માનશો તે પક્ષમાં તમને દોષો જ આવવાના છે. તેથી એકે પક્ષ નિર્દોષ નથી. તે આ પ્રમાણે
જો પ્રથમપક્ષ કહો તો તે વ્યાજબી નથી. કારણ કે કારણાધીન એટલે સ્વજનક એવાં કારણોને આધીન છે સ્વરૂપ જેનુ એવું એટલે કે પોતાની ઉત્પત્તિમાં હેતુભૂત એવાં કારણોને આધીન એવું અનિત્ય સ્વરૂપ, અથવા નિત્ય એવું સ્વરૂપ પહેલેથી જ સિધ્ધ છે. કહેવાનો આશય એ છે કે નિત્યપદાર્થ અનિત્યસ્વરૂપ વાળો કે નિત્યસ્વરૂપવાળો જેવો છે તેવો જ્યારથી છે ત્યારથી સિધ્ધ થયેલો જ છે. તેને હવે આ સહકારીકારણો આવીને શું સ્વરૂપલાભ કરાવવાના હતા ? અને જો કંઈ નવા-અપૂર્વ સ્વરૂપનો લાભ કરાવે તો તે પદાર્થ નવા સ્વરૂપવાળો બનવાથી નિત્ય રહે જ નહીં. માટે જેવો છે તેવો પ્રથમથી જ સિધ્ધ છે. તેને સહકારી કારણો કંઈ પણ બીજા સ્વરૂપલાભવાળો કરી શકતાં નથી. સારાંશ કે જે પદાર્થ પોતાના જનક કારણોને આધીનપણે જે સ્વરૂપવાળો થયો છે. તે જ સ્વરૂપવાળો કાયમ રહે છે. માટે સ્વરૂપલાભ સારૂ અપેક્ષણીયની અપેક્ષા આવશ્યક નથી. હવે જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જો પદાર્થ પોતે પોતાનું કાર્ય કરવામાં સ્વયં શક્તિમાનૢ છે તો પછી સહકારી કારણો તરફથી ઉપકારના (મદદના) લાભની અપેક્ષા રાખવાની શું જરૂર ? સમર્થ હોવાથી સ્વયં પોતે જ કાર્ય કરી શકે છે અને જો સ્વયં પોતે કાર્ય કરવામાં અસમર્થ છે (અશક્તિમાનૢ છે) તો પણ સહકારી કારણોની અપેક્ષા રાખવાની શું જરૂર ? કારણ કે જે પદાર્થ પોતે સ્વયં જે કાર્ય-કરવા સમર્થ નથી ત્યાં હજારો સહકારી કારણો પણ તેને તે કાર્ય કરનાર બનાવી શકતાં નથી. જે રેતી તેલ આપવા સ્વયં સમર્થ નથી તેને ઘણી આદિ સહકારી કારણો તેલ આપનાર બનાવી શકતાં નથી. માટે પદાર્થ પોતે કાર્ય કરવામાં સમર્થ હોય તો પણ અને અસમર્થ હોય તો પણ સહકારી કારણોની જરૂરીયાત નથી જ. તે કારણોનો ત્યાં અનુપયોગ જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
-
“પદાર્થ પોતે જો સ્વયં કાર્ય કરવા માટે સમર્થ છે તો સહકારિકારણો વડે કરાતો ઉપકાર શું પ્રયોજનવાળો છે ? અર્થાત્ નિરર્થક જ છે અને જો પદાર્થ પોતે સ્વયં કાર્ય કરવામાં અસમર્થ છે તો પણ સહકારીકારણો વડે કરાતો ઉપકાર શું પ્રયોજનવાળો છે ? અર્થાત્ કંઈ પણ ફળ આપનાર નથી.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org