________________
પંડિતજીની એક બીજી વિશેષતા છે કે તેમના ચિંતનના વિષયોનો વ્યાપ અતિ વિશાળ છે. તેમનું ચિંતન જૈન ધર્મના વિષયો પૂરતું મર્યાદિત રહ્યું નથી. બૌદ્ધ દર્શન અને વૈદિક સંસ્કૃતિ વેદ આધારિત દર્શન અને સાહિત્ય પર પણ તેનું આધિપત્ય છે. એ વિષયો પર પણ જ્યારે લખે છે ત્યારે તે વિષયની ઝીણામાં ઝીણી બાબતોને બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેઓ તે તે વિષયોના પણ આરૂઢ વિદ્વાન, મર્મજ્ઞ વિવેચક અને નિષ્પક્ષ સમાલોચક છે. તથાગતની વિશિષ્ટતાનો ધર્મ, બુદ્ધ અને ગોપા, સુગતના મધ્યમમાર્ગ, શ્રદ્ધા અને મેધાનો સમન્વય, સિદ્ધાર્થ પત્નીનો પુણ્યપ્રકોપ જેવા લેખો તેમની બૌદ્ધ ધર્મ અને દર્શન વિશેની વિદ્વત્તાના પુરાવા છે. નચિકેતા અને નવો અવતાર, સ્ત્રીપુરુષના બળાબળનો વિચાર, યાયાવર જેવા લેખો વૈદિક સાહિત્ય-પૌરાણિક ગ્રંથો આદિના આરૂઢ વિદ્વાન તરીકેની સાક્ષી પૂરી પાડે છે.
પંડિતજીનો સહુથી મોટો ગુણ છે તટસ્થતા. જે વિષય ઉપર લખતા હોય તે વિષય અંગે તટસ્થ બુદ્ધિથી વિચારણા કરે. બધું જ નિષ્પક્ષ રીતે વિચાર્યા પછી જ પોતાનો અભિપ્રાય રજૂ કરે. ક્યાંય પૂર્વગ્રહ હઠાગ્રહ, એકાંગિતા કે સાંપ્રદાયિકતાની ગંધ સુધ્ધાં પણ ન આવે. હિંદી સંસ્કૃતિ અને અહિંસા નામના ગ્રંથની પ્રસ્તાવનામાં ધર્માનંદ કોશબીનાં લખાણોની નિષ્પક્ષ સમાલોચના કરી છે. જે વાતો માત્ર કાલ્પિનિક છે તેને કાલ્પનિક કહીને તેને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. કોઈ પણની શેહ શરમ, સંબંધોની અસર કે પ્રભાવમાં અંજાયા વગર નીડરપણે તટસ્થ બુદ્ધિથી સમાલોચના કરવી એ પંડિતજીની આગવી લાક્ષણિકતા છે. આમ પંડિતજીના લેખોમાંથી અનેકવિધ ગુણોની પ્રતીતિ થયા વગર રહેતી નથી.
તેઓ માત્ર શાસ્ત્રીય કે સાહિત્યિક લેખો જ લખતા હતા તેવું ન હતું. સમાજ અને રાષ્ટ્રને પ્રેરણા આપતા, સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓનું સમાધાન દર્શાવતા લેખો લખી જાણેકે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરતા હોય તેવું જણાય છે. વિદ્યાની ચાર ભૂમિકાવાળો લેખ દરેક વિદ્યાર્થી, શિક્ષકો અને અભ્યાસુએ અવશ્ય વાંચવા જેવો છે. આજે તો વિદ્યાનો વ્યવસાય ફાલ્યોફૂલ્યો છે તેથી સમગ્ર વિદ્યાજગત દૂષિત થયું છે. પણ તેઓ તો આખી વાતને જુદી રીતે પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તેઓ જણાવે છે કે જે માણસ ખંતીલો છે, જેને પોતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. પંડતિજીએ વિદ્યાને વ્યવસાય નહીં પણ વિદ્યોપાર્જનને વ્યવસાયની ભૂમિકાએ સ્થાપી ઘણી મોટી વાત કહી છે. તે સમયે ભાષાનો પ્રશ્ન એક મોટો અને ગંભીર પ્રશ્ન હતો. ઉચ્ચ શિક્ષણની બોધભાષા કઈ હોવી જોઈએ ? આ બાબતે તેમના વિચારો મૌલિક છે. તેમાં ક્યાંય પ્રદેશાભિમાન, હઠાગ્રહ કે પૂર્વગ્રહ જોવા મળતો નથી. અંગ્રેજી ભાષાની ઉપયોગિતાનો પણ સ્વીકાર કર્યો છે. આજે પુનઃ ભાષાનો પ્રશ્ન જીવંત અને જ્વલંત બનતો જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org