________________
તથાગતની વિશિષ્ટતાનો મર્મ ૦ ૪૯ કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય થોડાક ઉદ્ગારો ઉપ૨થી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે.
તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્તે પણ પીછેહઠ ન કરવાના સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકો થયા છે, તેમણે પોતપોતાની શોધ દરમિયાન બહુ બહુ વેઠ્યું પણ છે, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા જુદાં જ તરી આવે છે. જ્યારે એમણે હસતે મુખે, માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છોડી, પ્રવ્રુજિત થઈ, નીકળી જવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણા શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધું, તેમણે એક પછી એક છોડેલ ચાલુ સાધનામાર્ગનો તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગનો વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યાત્મિક શુદ્ધિ સિદ્ધ કરવાનો ઉદ્દેશ બુદ્ધનો હતો જ, પણ એવા ઉદ્દેશથી પ્રવ્રુજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની ન હતી. જો બુદ્ધનો માત્ર એટલો જ ઉદ્દેશ હોત તો તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં ક્યાંય ને ક્યાંય ઠરીઠામ બેસત, પરંતુ બુદ્ધનો મહાન ઉદ્દેશ એ પણ હતો કે ક્લેશ અને કંકાસમાં રચીપચી રહેતી માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. બુદ્ધ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યોગમાર્ગ ભણી પ્રથમ વળે છે, એમાં તેઓ પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તોય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે ? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શો લાભ ? આ અજંપો તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તેઓ કઠોરતમ તપસ્યાઓ દ્વારા દેહને શોષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી ? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટું કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યજ્યું, અને તે સાથે જ પોતાના પ્રથમના પાંચ વિશ્વાસપાત્ર સહચારી સાધકોને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પડ્યા. એમને હવે કોઈ સંઘ, મઠ કે સોબતીઓની હૂંફ ન હતી; અને છતાં તેઓ પોતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજંપાને લીધે નવી જ મથામણ અનુભવવા લાગ્યા, પણ બુદ્ધની મૂળ ભૂમિકા જ અસાંપ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુઓ, અનેક સાથીઓ અને અનેક પ્રશંસકોને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટું એમણે એ પૂર્વપરિચિત ચેલાઓ ત્યજી એકલપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યો. ઘ૨બા૨ બધું છોડાય, પણ સ્વીકારેલ પંથોના પૂર્વગ્રહો છોડવા એ કામ અઘરામાં અઘરું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org