________________
વટબીજનો વિસ્તાર • ૧૮૫ જોઈએ કે, આ વખતે તો જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગોરા આચાર્યની તુમાખીની ભૂખ ભાંગે એવો વિનમ્ર, પણ મક્કમ જવાબ સોસાયટીના કાર્યકર્તાઓએ પરખાવ્યો. સાથે નવી નવી કોલેજોની સ્થાપનાનો નિરધાર પણ વધારે વેગવાન બન્યો. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી બળ, પણ એનાં મૂળમાં ઊંડે ઊતરીને જોતાં મને તો એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દઢતા એ બંને પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શૂરમાં છે.
સોસાયટીના સભ્યો અને કાર્યકર્તાઓમાં કેટલાક એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સોસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયાનુલક્ષી પ્રવૃત્તિમાં નાનોસૂનો ફાળો નથી આપ્યો. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું
ધ્યાન સર લલ્લુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયનો વિચાર જોઈએ તેવો દઢ થયો ન હતો. તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને લૉ કૉલેજના પાયા નંખાવ્યા! જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઈએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદ તરત જ કેવો વધાવી લીધો ! સામાન્ય રીતે સોસાયટીના હિતચિંતકોએ કામ વહેંચી લીધેલાં કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તો બીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવાં વ્યવહારુ કામોની જવાબદારી માથે લીધી. સ્વ. બલ્લુભાઈ ઠાકોર નાણાં ઉઘરાવનારાઓમાં મોખરે હતા. એમનું નામ કેળવણીકારો અને અમદાવાદીઓને તો ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે અહીં તો એમના નામનો ઉલ્લેખ માત્ર પૂરતો છે; પણ હીરાલાલ કાપડિયા અને ગોવિંદલાલ દામોદરદાસ શાહ જેવા બીજા એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે, પણ તેઓએ નાણાં ઉઘરાવવામાં અને બીજાં વહીવટી કામમાં સ્મરણીય ફાળો આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સૂચનથી પણ જણાઈ આવે છે.
અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડૉ. ધ્રુવનું છે. પ્રસંગ છે તો એમના વિશે કાંઈક વધારે લખવું યોગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમોહન માલવીયના આકર્ષા અને પૂ. ગાંધીજીના પ્રેર્યા ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સર્વવિદિત છે. તેઓ ત્યાં પ્રો-વાઈસ ચેન્સલર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જીવનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષયોના પારગામી વિદ્વાનોના સંપર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનું સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org