SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • પરિશીલન એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાનો વધ કરાવવો હોય કે લેખકે પોતે માની લીધેલા બૌદ્ધજૈન જેવા નાસ્તિક અસુરોને નરકે મોકલી વૈદિક-આસ્તિક દેવોનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કોટિમાં મૂક્યો હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી. દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનાંમોટાં કેટલાં વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકાઓ રચાયાં છે, એ જો કોઈ સર્વાગીણ શોધપૂર્વક લખે તો તે ખાતરીથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જેવો તેવો નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલો છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કોઈ ને કોઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતો જ નથી. બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણોથી નોખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે બોધિસત્ત્વની પારમિતાઓ છે. બુદ્ધત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્ત્વ. બૌદ્ધપરંપરા અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત્ અસત્ વૃત્તિનાં અથવા દૈવી-આસુરી વૃત્તિનાં હૃદ્ધને અવલંબી જડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રજ્ઞા, પુરુષાર્થ અને ક્ષમા જેવી દૈવી વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે, અને દર્શાવે છે કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા–પારમિતા સાધે છે તે જ બોધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્ત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદનો આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડુમયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તો જાતકકથાઓ જ ખેંચે છે. જૈન પરંપરાનું કથા-વાડ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુ:ખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેનો આધાર જીવન પોતાની અસદ્ વૃત્તિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુષાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જેવો છે તે તેના પૂર્વ-સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જેવો થવા માગે તેવો સ્વપુરુષાર્થી બની શકે. આખું ભાવિ એના પોતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy