________________
૧૧૬ • પરિશીલન એ ચારના પરિચયમાં હું આવેલો. સન્મિત્ર કપૂરવિજયજીનો પરિચય ઠીક ઠીક થયેલો. કુંવરજીભાઈનો પરિચય પણ અનેક રીતે વધેલો. તેમની સાથે અને તેમને ત્યાં પણ રહેલો. કલાકોના કલાકો લગી તેમની સાથે અનેક વિષયોમાં રાતના બાર બાર વાગ્યા સુધી મીઠી ચર્ચાઓ ચાલતી. તેમનું કૌટુંબિક અને સામાજિક જીવન જોવાની તકો પણ સાંપડેલી. શ્રીયુત મેઘાણીના નિકટ પરિચયમાં આવવાનું અનેક રીતે બન્યું હતું. તેમના મકાનમાં અને પડોશમાં સૂવા, રહેવા અને જમવાની સગવડ હતી, એટલે તેમની સાથે ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક સેવા અને સુધારા, ધાર્મિક રૂઢિઓથી મુક્તિ આદિ અનેક વિષયો ઉપર અમારી ચર્ચા ચાલતી. આ પરિચયજન્ય સંસ્કારો રાખી તે તે વ્યક્તિનાં રેખાચિત્રો તપાસું છું તો તે વિશે એટલું જ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકે લખાણના રસ કે વેગમાં આવી જઈને પરિચયપાત્ર વ્યક્તિના અંગત સંબંધ કે વિશિષ્ટ મોહમાં લેશ પણ તણાયા વિના તે તે વ્યક્તિનું તાદશ ચિત્ર રજૂ કરેલ છે.
. પોતાના પિતા વિશે એક જાગ્રત વિચારશીલ પુત્ર તટસ્થભાવે કાંઈ લખે ત્યારે એમાં કોઈને કશું જ ઉમેરવાનો અધિકાર હોઈ શકે જ નહિ, ભલે અંગત સ્મરણો ગમે તેટલાં હોય. તેમ છતાં એ રેખાચિત્રમાંની એક-બે બાબતો તરફ વાચકોનું લક્ષ જશે જ. પિતા-પુત્રની માત્ર જુદી જ નહિ, પણ કેટલેક અંશે વિરુદ્ધ એવી વિચાર-વર્તનસરણી અને તેમ છતાં એક બાજુ મોટું મન અને બીજી બાજુ વડીલો પ્રત્યે હાર્દિક બહુમાનની લાગણી. સાંકડું મન, અસહિષ્ણુતા અને ઉતાવળિયાપણું જેવાં તત્ત્વો અનેક કિસ્સાઓમાં પિતા-પુત્ર કે માતા-પુત્ર વચ્ચે મોટી દીવાલ ઊભી કરતાં હોય તે યુગમાં જો આવું પિતાપુત્રનું સૌમનસ્ય જોવા મળે તો એવા કુટુંબને હરકોઈ પુણ્યશાળી જ લેખશે. બીજી બાબત તે પિતાનો પુત્રમાં વિકસિતરૂપે સંક્રાન્ત થયેલો વારસો.
મેઘાણીના પ્રથમ પ્રગટ થયેલ રેખાચિત્રે તે વખતે અથુપાત કરાવેલો. આટલાં વર્ષો પછી પણ એના વાચને હૃદયને ગદ્ગદ કરાવ્યું. એને હું રેખાચિત્રના આલેખનની સફળ કસોટી સમજું છું. એ રેખાચિત્રમાં સંસ્કારસંપન્ન એવા કરુણાપૂર્ણ મિત્રની વિદાયવ્યથા કરુણકાવ્યરૂપે વ્યક્ત થઈ છે, જે સહૃદય-નેત્રને ભીંજવ્યા વિના ભાગ્યે જ રહે. કાકાસાહેબ તો હવે કોઈથી અવિદિત નથી. એટલે જિજ્ઞાસુ વાચકો એવી અભિલાષા સેવશે કે એ જ ફળદ્રુપ લેખિનીથી કાકાસાહેબનું વિસ્તૃત રેખાચિત્ર આલેખાય. તુળજારામ ટોકરનું વ્યક્તિત્વ એક જુદી જ ભાત પાડે છે. એમાં ચોકસાઈ અને સાવધાની છે, પણ દૂધનો દાઝયો દહીં ફૂકે એ વૃત્તિ પણ એમાં દેખા દે છે, પરંતુ લેખકે બધા જ વિરોધી ભાવોને એવો ઉઠાવ આપ્યો છે કે એ વાંચવું ગમે અને કાંઈક શીખવાનું પણ મળે.
“સમાજદર્શનમાં ૧૫ લેખો છે. પ્રતિષ્ઠાના મથાળા નીચે સટ્ટાવૃત્તિની સમાલોચના છે. ધૂતવૃત્તિ તે શું, કેવા સંજોગોમાં તે જન્મ લે છે અને વિકસે છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org