________________
૧૧૪ • પરિશીલન બૌદ્ધ અને જૈન ત્રણેય પરંપરાના ઇતિહાસની ઝાંખી તો છે જ, પણ એમાં ગોદાવરી, ત્યંબક, ગજપથા, પાંડવગુફા વગેરેનાં જે સંવેદનપૂર્ણ શબ્દચિત્રો છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આડંબરી પ્રથાની જે ગ્રંથિભેદપોષક તટસ્થ પર્યાલોચના છે તે બધું કોઈ પણ તીર્થના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એનો પાઠ શીખવે છે. એક્કાવાળાએ આપેલ દ્રાક્ષનો ઝૂમખો એ માનવતાની દીવાદાંડી છે. તથાગત બુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અબુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડું આત્મનિરીક્ષણ છે.
ગોપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હોઉં. વ્યોમવિહાર સાંભળતાં વ્યોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વર્ણન ગિરનારમાં દેખાતાં દશ્યો વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દશ્યો, સૂક્ષ્મ સંવેદનો અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ – એ બધાંમાંથી લેખક સપ્તરંગી મેઘધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી સૂક્તિઓ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધર્મપરંપરાઓ અને ધર્મસ્થાનોની વિવિધતા, સાધુસંતોની વિવિધતા અને ઐતિહાસિક બનાવોની વિવિધતા - બધી વિવિધતાઓ વચ્ચે ગિરનાર તો કૂટસ્થ ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે.
જ્યારે ભીમદેવ પ્રભાસપાટણનો ઉદ્ધાર કરે છે લગભગ તે જ અરસામાં તેનો મંત્રી વિમળશાહ આબુકુંભારિયામાં મંદિરો બંધાવે છે. પથ્થર અને આરસપહાણની શિલ્પકૃતિઓ શરૂ થાય છે. કૃષ્ણ જેવા લોકોત્તર પુરુષનો પ્રભાસપાટણમાં થયેલો કરુણાંત દિલ્હીમાં ગાંધીજીના કિસ્સાની અને જેરુસલેમમાં ક્રાઈસ્ટના કિસ્સાની યાદ આપે છે. મહમ્મદ પૈગંબરે દરેક ધર્મ અને તીર્થને આદર આપવા ફરમાવ્યું છે. પોતે તો આખી જિંદગી એ રીતે વર્યા છે, પણ આરબ કબીલાઓની વારસાગત ડંખવૃત્તિ ધર્મની બાબતમાં ચાલુ રહી અને પછીનો ઇસ્લામ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પેગંબરના ફરમાનથી ઊલટું જ કર્યું. એની છાપ સોમનાથ ઉપર છે. હિંદુ-માનસ આમ તો તત્ત્વચિંતનમાં દીર્ઘદ્રષ્ટિ ધરાવે છે, પણ વ્યવહારમાં સમર્થ સામે ટકવા જેટલું સંગઠન તેણે ન સાધ્યું તે ન જ સાધ્યું. નહિ તો છેલ્લાં વર્ષોમાં નવાબનું શું ગજું? જેનો તેથીય વધારે નબળા. કોઈ બીજો રક્ષે તો સ્ત્રી પેઠે રક્ષાય, નહિ તો હણાય ! સોમનાથની પેઠે માંગરોળમાં પણ એક બહુ મોટી અને ભવ્ય મસ્જિદ છે, જે જૈન મંદિરનું રૂપાંતર છે. જૈન-અજેન હજુ પૂર્ણ એકરસ નથી થતા. શ્રી મુનશીજીએ જૂના અવશેષ નિર્મૂળ કર્યા એ પણ એ કાળની ગતિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org